કંપનીઓને આપવા 35 હજાર કરોડ છે, ખેડૂતોને આપવા રૂપિયા નથીઃ રાહુલ ગાંધી
ભરૂચઃ ગુજરાતના દરેક વર્ગના લોકોમાં ગુસ્સો છે અને તેઓ ખુશ નથી. સરકાર સામેની નારાજગી અંડરકરંટ બની છે અને આવનારી ચૂંટણીમાં બીજેપીને કરંટ લાગવાનો છે તેમ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે. બુધવારે તેમણે જંબુસર, દયાદરા અને અંકલેશ્વર ખાતે જાહેરસભા સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ તેમના વકતવ્યમાં જણાવ્યું હતું કે, સરકારે ખેડૂતો પાસેથી વીજળી, પાણી અને જમીન લઇને 10 થી 15 ઉદ્યોગપતિઓને ફાયદો કરાવ્યો છે.
આજે ગુજરાતમાં દરેક વર્ગના લોકો દુખી છે અને ફરિયાદ કરી રહયાં છે પણ માત્ર 10 થી 15 ઉદ્યોગપતિઓ જ સુખી છે અને કોઇ ફરિયાદ કરતાં નથી. ગુજરાતમાં આજે આરોગ્ય અને શિક્ષણક્ષેત્ર ઉદ્યોગપતિઓને સોંપી દેવામાં આવ્યું છે. જેના કારણે ગરીબવર્ગ શિક્ષણ અને આરોગ્ય સેવાથી વંચિત રહી ગયાં છે. ગુજરાત મોડલમાં તમારી પાસે શિક્ષણ અને આરોગ્ય માટે ખિસ્સામાં 15 લાખ રૂપિયા હોવા જરૂરી છે તેમ જણાવી તેમણે ગુજરાત મોડલને મોદી મોડલ ગણાવ્યું હતું.
ભારતની સૌથી મોટી હરીફાઇ ચીન સાથે છે. વડાપ્રધાન મેક ઇન ઇન્ડિયાની વાતો કરે છે પણ ચીન દરરોજ 50 હજાર યુવાનોને નોકરી મળે છે જયારે ભારતમાં મોદી સરકાર માત્ર 450 યુવાઓને રોજગાર આપે છે. ગુજરાતમાં 30 લાખ યુવાનો બેકાર છે. સરકારે ટાટા નેનો કાર માટે 35 હજાર કરોડ રૂપિયાની લોન ઉદ્યોગગૃહને આપી છે આટલી રકમમાંથી તો ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થઇ જાત. ટાટા નેનો ગાડી રસ્તાઓ પર દેખાતી નથી ત્યારે આ 35 હજાર કરોડ રૂપિયા કયાં ગયાં તેવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.
જીએસટી અને નોટબંધીના સરકારના નિર્ણયની તેમણે ટીકા કરી હતી. અને 8 નવેમ્બરે નોટબંધીના વિરોધમાં કાળો દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.
નાણામંત્રી ઓફિસમાંથી બહાર નીકળી વેપારીઓને પૂછો
વર્લ્ડ બેંકના ઇઝ ઓફ ડુઇંગ બીઝનેસ રીપોર્ટમાં ભારતે 30 ક્રમની છલાંગ મારી છે ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, નાણામંત્રી અરૂણ જેટલી ઓફિસમાં બેસી વિદેશી સંસ્થાઓના રીપોર્ટને આધારે નોટબંધી અને જીએસટીના ગુણ ગાઇ છે. પણ હું તેમને કહેવા માંગું છું કે, ઓફિસમાંથી બહાર નીકળો અને નાના વેપારી અને બીઝનેશમેનને મળો તો તે તમને વાસ્તવિકતા કહેશે. જીએસટી અને નોટબંધીએ અર્થવ્યવસ્થાને તોડી પાડી છે.
Source: https://www.divyabhaskar.co.in/news/DGUJ-BHA-OMC-bjp-gives-30cr-to-compenies-dont-have-for-farmers-rahul-gandhi-gujarati-news-5735016-PH.html?seq=5