ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ માટે કોંગ્રેસે લીધો મહત્વનો નિર્ણય
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ૨૬ બેઠકો પરથી મહિલાઓને ટિકિટ આપે તેવી શક્યતા છે. પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા પણ મહિલાઓને વધુ ટિકિટ મળે તે માટેની માગણી કરાઈ ચૂકી છે ત્યારે સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં આ મામલે આખરી નિર્ણય લેવાઈ શકે તેમ છે.
કોંગ્રેસના સૂત્રો કહે છે કે, ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં ૨૬ મહિલાઓને ટિકિટ આપવામાં આવે તેમ છે. ૨૬ લોકસભા પ્રમાણે કોઈ પણ વિધાનસભા ક્ષેત્રમાં મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારવામાં આવશે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન રાહુલે મહિલાઓ સાથે મિટિંગ યોજી હતી, જેમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપવામાં આવે તેવી માગ દોહરાવી હતી. મહિલાઓ સાથેની મિટિંગમાં રાહુલે એમ પણ કહ્યું હતું કે, બની શકે કે ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી બની શકે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પણ ૫૦ ટકા મહિલા અનામતની કોંગ્રેસે માગણી કરી હતી.
સાથે જ કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલા અનામતનું અમલીકરણ એ કોંગ્રેસની દેન છે. મહત્ત્વનું છે કે, છેલ્લે વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૨ મહિલાઓને ટિકિટ આપી હતી, જોકે એ પૈકી માંડ ત્રણ મહિલા ઉમેદવાર જીતી શક્યાં હતાં. હવે ૧૨ને બદલે ૨૬ બેઠકો પર ટિકિટ આપવાનું કોંગ્રેસનું આયોજન છે. ગુજરાતમાં ૪૫થી ૪૮ ટકા મહિલા મતદારો છે.
Source: http://sandesh.com/gujarat-congress-gives-woman-more-tickets-for-election/