૧૭૮ વસ્તુઓ પરનો જીએસટી રાહુલ ગાંધીના દબાણને કારણે ઘટયો : કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 11 નવેમ્બર, 2017, શનિવાર

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ચારેય બાજુ જીએસટીને લઇને ભારે વિરોધ થઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રની મોદી સરકારે જીએસટીમાં ઘણા ફેરફાર કર્યા છે. અને દૈનિક વપરાશની ૧૭૮ જેટલી વસ્તુઓના ટેક્સમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે. આ પગલાને કોંગ્રેસે રાહુલ ગાંધીની જીત ગણાવી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જીએસટીનો મામલો સારી રીતે ઉઠાવ્યો હતો જેને પગલે મોદી સરકારે ભીસમાં આવીને જીએસટીમાં સામેલ વસ્તુઓ પરના જીએસટી ઘટાડવા પડયા હતા.

જીએસટી મામલે રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકારે જે પણ પગલા લીધા તે અધુરા છે. જો કોંગ્રેસની સરકાર સત્તામાં આવશે તો ૧૮ ટકા હેઠળ જીએસટી લાગુ કરાયો છે તેમાં પણ ધરખમ ફેરફારો કરશે. અમારી લડત જારી રહેશે અને ૨૮ ટકા જીએસટીને જ રદ કરવામા આવશે. નોંધનીય છે કે મોદી સરકારે જીએસટીમાંથી ૨૮ ટકા સ્લેબને રદ નથી કર્યો પણ જારી રાખ્યો છે. જેને રદ કરવાનું વચન હવે કોંગ્રેસે આપ્યું છે. રાહુલે જણાવ્યું હતું કે ભારતને એક સિમ્પલ ટેક્સની જરૃર છે, ગબ્બર સિંઘ ટેક્સની નહીં.

કોંગ્રેસના ગુજરાતના જનરલ સેક્રેટરી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે ગુજરાતમાં રાહુલ ગાંધીએ જીએસટીનો મામલો બહુ જ સારી રીતે ઉઠાવ્યો છે. અને ગુજરાતની જનતા રાહુલ ગાંધીને બહુ જ સારો પ્રતિસાદ આપી રહી છે. જેનાથી ડરીને મોદી સરકારે જીએસટીમાં ફેરફાર કરવા પડયા છે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/gst-reduced-due-to-rahul-s-pressures-congress