ચૂંટણી ટાણે ‘સપનોં કા સોદાગર’ આવી ઠાલાં વચનો આપી ચાલ્યા જાય છે: શક્તિસિંહ ગોહિલ
Oct 7, 2017
આણંદ, તા.૬
આણંદ જિલ્લાના બોરસદની વાસદ ચોકડી ખાતે એસટી ચેમ્બરમાં બોરસદ તાલુકા કોંગ્રેસ દ્વારા જન આશિર્વાદ સંમેલન યોજાઈ ગયું જેમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર તેમજ ગૌરવ યાત્રા પર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાત ગૌરવ યાત્રા નહી પણ કૌરવ યાત્રા હોવાનું જણાવ્યું હતું. બોરસદ ખાતે યોજાયેલા જન આશિર્વાદ સંમેલનમા કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ આવી પહોંચતા બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતીભાઈ સોઢાએ તેઓનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં શિસ્ત સમિતિના કન્વીનર નટવરસિંહે સ્વાગત પ્રવચન કરી કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે તેમ કહી જન આશિર્વાદ સંમેલન અંગે માહિતી આપી હતી.
ત્યારબાદ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે ભાજપને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ભાજપની રાજ્ય સરકાર માત્ર ઉદ્યોગપતિઓની સરકાર છે. રાજ્યમાં અણઘડ વહીવટ અને નિર્ણયોના કારણે ખેડૂતો, મજૂરો, નોકરિયાતો પરેશાન થઈ ઉઠ્યા છે. વડાપ્રધાનના આડેધડ નિર્ણયોના કારણે હાલ આખો દેશ મંદીમાં સપડાયો છે ત્યારે વડાપ્રધાન વિદેશ યાત્રાઓમાંથી બહાર આવતા નથી તેઓ માત્ર વિદેશોમાં ફરવા માટે જ વડાપ્રધાન બન્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ સરકારને ઘરભેગી કરવાનો સમય આવી ગયો હોવાનું જણાવી તેઓએ હાલમાં નીકળેલી ભાજપની ગુજરાત ગૌરવયાત્રા અંગે જણાવ્યું હતું કે, આ ગૌરવ યાત્રા નથી પરંતુ કૌરવ યાત્રા કાઢવામાં આવી છે અને જેમાં દિલ્હીથી દરરોજ એક કૌરવ આવે છે તેમણે કહ્યું હતું કે, ચૂંટણી સમયે સપનો કા સોદાગર આવી વચનો આપી ચાલ્યા જાય છે પરંતુ એક પણ વચન પૂરૂ થતું નથી. જેના કારણે લોકો પણ હવે કહેતા થયા છે મારા હારા છેતરી ગયા ત્યારે હવે નવસર્જન કરવાનું છે. કોંગ્રેસનું આ નવસર્જન દલિતો, પીડિતો અને ખેતમજૂરોને ખેડૂત બનાવવા માટે જમીનો આપવા માટે, શિક્ષણનું વ્યાપારી કરણ અટકાવી ગરીબ વિદ્યાર્થીઓને પણ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થાય તે માટેનું નવસર્જન કરવાનું છે. કોંગ્રેસના મુખ્યમંત્રી કોણ બનશે ? તે મહત્ત્વનું નથી પરંતુ નવસર્જન ગુજરાત દ્વારા ગરીબ બહેનોને સ્વરોજગારી મળે. બેરોજગાર યુવાનોને રોજગારી મળે અને રોજગારી ન મળે તો તેઓને બેરોજગાર ભથ્થું મળે તેમજ ખેડૂતોને ખેતીને ર૪ કલાક વીજળી મળે તે માટેનું નવસર્જન કરવાનું છે, આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાંતીભાઈ સોઢા, બોરસદના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર અને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન નટવરસિંહ મહીડાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
Source: http://www.gujarattoday.in/election-tane-sapno-ka-sodagar-avi-thala/