નોટબંધી સદીનું સૌથી મોટું કૌભાંડ: કોંગ્રેસ સાંસદ ગુલામ નબી આઝાદ

Oct 26, 2017

મોદી સરકારની નોટબંધીને સદીનું સૌથી મોટું કૌભાંડ ગણાવતા કોંગ્રેસના સિનિયર નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે તમામ વિપક્ષી પાર્ટી ૮ નવેમ્બરના દિવસે કાળા દિવસના રૂપમાં ઉજવણી કરશે. તેમણે કહ્યું કે ગત વર્ષે વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વિપક્ષનો દાવો છે કે નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા અને નોકરીને ભારે નુકસાન થયું છે. રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદે આજે પક્ષકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ગયા વર્ષે આઠમી નવેમ્બરના દિવસે મોદીએ ૧૦૦૦ રૂપિયા અને પ૦૦ રૂપિયાની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી. વિપક્ષે તે વખતે જ કહ્યું હતું કે નોટબંધીના કારણે અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે. બેરોજગારી વધી જશે. જીડીપી ઘટી જશે. આઝાદે કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે નોટબંધીના કારણે જીડીપીમાં બે ટકા ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી હતી અને આ આશંકા સાચી સાબિત થઈ છે. આઝાદની સાથે તૃણમૂલ નેતા ડેરેક ઓબ્રાયન અને જેડીયુના શરદ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે વિરોધ પક્ષો સંસદની અંદર પારસ્પરિક રીતે મળીને કામ કરે છે પરંતુ છેલ્લા મોનસુન સત્રના અંતિમ દિવસે વિપક્ષી નેતાઓને બેઠકમાં એક સમન્વય સમિતિ બનાવવાનો નિર્ણય કરાયો હતો. સમિતિના સભ્યોને જવાબદારી આપવામાં આવી હતી કે, તેઓ બે સત્ર વચ્ચેની અવધિમાં જુદા જુદા ૧૮ દળોની સાથે બેસીને પારસ્પરિક રીતે સંમતિ સાધવાના પ્રયાસ કરે. આ સમિતિની પ્રથમ બેઠક ગઈકાલે યોજાઈ હતી. જેમાં એ નિર્ણય કરાયો હતો કે ૮મી નવેમ્બરના દિવસે તમામ વિરોધ પક્ષો પોતપોતાની રીતે કાળો દિવસ મનાવશે.

આઝાદે કહ્યું કે કાશ્મીર વિવાદનો મંત્રણા દ્વારા ઉકેલ લાવવાની વાત મોદી સરકારે કરી છે. અમે તેમની આ દરખાસ્તની વિરૂદ્ધમાં નથી પરંતુ સરકારે જે સમયે આ નિર્ણય કર્યો છે તેની પર આંગળી ઉઠાવવાની જરૂર છે. સરકારે આ માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા આપી નથી. સરકાર ફક્ત લોકપ્રિયતા માટે આવું કરી રહી છે. સરકારે આ મુદ્દે નિર્ણય લેવામાં શા માટે સાડા ત્રણ વર્ષ જેટલો સમય વેડફી નાખ્યો. આઝાદે ઉમેર્યું કે સરકારની પાસે કાશ્મીર મુદ્દે ખાસ કોઈ નીતિ નથી.

Source: http://www.gujarattoday.in/notebandhi-sadinu-sauthi-motu-kobhand/