ભાજપની ગૌરવયાત્રા એ કૌરવયાત્રા જેમાં દિલ્હીથી રોજ એક કૌરવ આવે છે: શક્તિસિંહ ગોહિલ

Oct 6, 2017

રાજપીપળા, તા.પ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં ગુરૂવારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે એક જાહેર સભા સંબોધી હતી. જેમાં તેમણે નોટબંધી અને GST દેશની અર્થવ્યવસ્થા ખોરવાવા માટેનું મુખ્ય કારણ ગણાવી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે-સાથે જો ગુજરાતમાં કોંગ્રેસ આવશે તો સમાન કામ સમાન વેતન, યુવાનોને રોજગારી, બેરોજગારોને બેકારી ભથ્થુ, બહેનોને ઘરનું ઘર, વીજળીના દામ ઘટાડા સહિતની જાહેરાત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રોમાં વાંદરા માટે વનબંધુ શબ્દનો ઉપયોગ થયો છે. ભાજપાએ આદિવાસીઓને વનબંધુ કહી તેમનું અપમાન કર્યું છે. આદિવાસી, દલિત, માયનોરિટીને કોંગ્રેસે જ ઊંચો દરજ્જો આપ્યો છે. ભૂતકાળ વાગોળશો તો ખ્યાલ આવશે. ભાજપ-RSS વર્ણવ્યવસ્થામાં માને છે, હાલમાં થયેલા પાટીદારો અને દલિતો પરના અત્યાચારો એના પુરાવા છે. જેણે નોટ અને વોટ બંને આપી ભાજપને સત્તા અપાવી એવા પાટીદાર સમાજ પર ભાજપે અત્યાચાર ગુજાર્યો એ નિંદનીય છે.નર્મદા યોજના જેના ચરણોમાં છે તે જ પ્રજાને આજે પાણીના ફાંફા છે. જ્યારે નર્મદા યોજનાની આસપાસના લોકોને પણ પાણી મળી રહે એવું ભૂતકાળની કોંગ્રેસ સરકારે આયોજન કર્યું હતું.

GST મુદ્દે તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસ પણ GST લાગુ કરવા માંગતી હતી,પણ કોંગ્રેસના અને ભાજપના GSTમાં આસમાન જમીનનો ફેર છે. કોંગ્રેસના GSTમાં ૧૪% સુધીનું જ્યારે ભાજપના GSTમાં ૨૮% સુધીનું ટેક્સ માળખું છે. આખી દુનિયામાં કાચા ક્રૂડની કિંમત ઘટી ત્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલ મોંઘા છે. પેટ્રોલ ડીઝલ પર જો GST લગાવ્યું હોત તો તે સસ્તું થયું હોત. આતો ચૂંટણીમાં હારની બીકે ભાજપે પેટ્રોલમાં ૨ રૂપિયા ઘટાડાની જાહેરાત કરી છે.

વધુમાં જણાવ્યું હતું કે કેરળમાં ભાજપના અસામાજિક તત્ત્વો પર હુમલા થાય છે અને ત્યાં ભાજપ યાત્રાઓ કાઢે છે તો ગુજરાતમાં દલિત મૂછ રાખે તો હુમલા થાય છે. પાટીદારો પર હુમલા થાય છે ત્યારે તેના વિરોધમાં ભાજપ પ્રમુખ ગુજરાતમાં યાત્રા કાઢે. ભાજપની ગૌરવયાત્રાને ગુજરાતની પ્રજાએ કૌરવયાત્રા ગણાવી છે અને દિલ્હીથી રોજ એક કૌરવ આ યાત્રામાં ભાગ લેવા આવે છે. ભાજપનો વિકાસ ગાંડો થયો છે તે શબ્દની શોધ ગુજરાતની જનતાએ કરી છે. ગુજરાતના મુખ્યમંત્રી કહે છે કે ગાંડો તો ગાંડો અમારો વિકાસ છે. ગાંડો થયો હોય તો તેનો ઈલાજ કરાવાય પણ પોતાનાને ગાંડો ના કહેવાય. આ ક્રૂર મજાક છે.

Source: http://www.gujarattoday.in/bjp-ni-gaurav-yatra-e-kauravyatra/