કોંગ્રેસ દ્વારા ભાજપના ગઢ નારણપુરાથી ડોર ટુ ડોર પ્રચાર ઝુંબેશની શરૂઆત
અમદાવાદ, તા.૧૪
કોંગ્રેસે આજથી ઘેર ઘેર કોંગ્રેસ પ્રચાર ઝુંબેશની શરૂઆત કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદમાં ભાજપના ગઢ નારણપુરાથી ડોર ટુ ડોર કેમ્પેઈનની શરૂઆત કરી હતી. કોંગ્રેસે રાજ્યમાં ઓછામાં ઓછા એક કરોડ લોકો સુધી સીધો સંપર્ક કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
નારણપુરાને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વળી આ મતવિસ્તારમાં અમિત શાહ સાતમી નવેમ્બરે ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાન હેઠળ ઘરે-ઘરે ફરી વળ્યાં હતા. તેમની સાથે તારીખ ૧૨મી નવેમ્બર સુધીમાં અનેક ગણમાન્ય નેતાઓ પણ જોડાયા હતા. આજ વિસ્તારમાં આજથી કોંગ્રેસે ઘેર-ઘેર કોંગ્રેસ કેમ્પેઈનની શરૂઆત કરી પ્રચારની શરૂઆત કરી હતી.
ભરતસિંહ સોલંકીએ ડોર ટુ ડોર કેમ્પેઈન વિશે કહ્યું હતું કે તેમની ચૂંટણી રણનીતિ અનુસાર આ અભિયાન ૧૫ દિવસ ચાલશે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી અશોક ગેહલોતની રાહબરી હેઠળ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમે લોકોને મળીને અમારૂં લીફલેટ તેમને આપીને સમજાવીએ છીએ કે અમે અનેક મુદ્દાઓ લઈને ઊભા છીએ. જેમાં અમને તેમની સલાહની જરૂર છે. જેથી કરીને જે કાંઈ મુદ્દાઓ છે તેને અમે અમારા ચૂંટણી ઢંઢેરા(વિઝન ડોક્યુમેન્ટ)માં સ્થાન આપી શકીએ.
સિદ્ધાર્થ પટેલે વડોદરામાં ડોર ટુ ડોર કેમ્પેઈનની શરૂઆત કરી હતી. તેમણે વાડી ખાતે આવેલા શનિદેવ મંદિરના દર્શન કરીને પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું હતું કે પક્ષના અનેક કેન્દ્રીય નેતાઓએ આ રીતે કરવામાં આવતા પ્રચારમાં ભાગ લેશે.
બુધવારે સચિન પાયલોટ સુરત અને રાજકોટની મુલાકાત લેશે જ્યારે જ્યોતિરાદિત્ય સિધિંયા અમદાવાદ અને વડોદરાની મુલાકાત લેશે.
Source: http://www.gujarattoday.in/%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8-%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE-%E0%AA%AD%E0%AA%BE%E0%AA%9C%E0%AA%AA%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%97/