કોંગ્રેસ જીએસટીમાં ૧૮ ટકાનો મર્યાદિત ટેક્સ નાંખવા માંગતી હતીઃ રાહુલ ગાંધી
વડોદરા તા. ૧૦ઃ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સંકલ્પભૂમિ પર પ્રાર્થના કરીને આજે નવસર્જન યાત્રા આગળ ધપાવી હતી. આજના કાર્યક્રમો દરમિયાન તેમણે મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ જીએસટીમાં ૧૮ ટકાનો મર્યાદિત ટેક્સ નાખવા માંગતી હતી, પરંતુ મોદી સરકારે ઘણી વસ્તુઓ પર ર૮ ટકા ટેક્સ ઝીંકી દીધો છે.
કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે સંકલ્પભૂમિ પર પ્રાર્થના કરી હતી. તે પછી તેમણે નવસર્જન યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
સયાજી ગૃહમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો, જેમાં ખાનગી શિક્ષણ અને મોંઘીદાટ ફી નો મુદ્દો પણ ચર્ચાયો હતો. વિદ્યાર્થીઓએ શિક્ષણ ક્ષેત્રના રસપ્રદ સવાલ-જવાબો કર્યા હતાં. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારે એજ્યુકેશનના બજેટમાં ૧૬ ટકાનો ઘટાડો કર્યો છે.
આજે રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન તેઓ ચાર સ્થળે મુખ્ય સંબોધન કરવાના છે, અને અન્ય સ્થળોએ પણ ચર્ચા કરવાના છે. તે પૈકી બપોર સુધી યોજાયેલા કાર્યક્રમોમાં વધુમાં તેમણે જણાવ્યું કે મારા હાથમાં માઈક છે, તે ચાઈનાનું છે, મોબાઈલ પણ ચાઈનાના છે. આમ કહીને તેઓએ મેઈક ઈન ઈન્ડિયાની યોજના પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે ગુજરાતમાં શિક્ષણ એ નફાનું કેન્દ્રબિંદુ બની ગયું છે.
તેમણે કહ્યું કે દેશમાં બેરોજગારોની ફોજ ઊભી થઈ ગઈ છે. ચીનમાં દરરોજ પ૦,૦૦૦ લોકોને રોજગારી મળી રહી છે. ભાજપે છેલ્લા રર વર્ષમાં ગુજરાતમાં કંઈ કર્યું નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ખેડૂતોની જમીન લઈ લેવામાં આવી છે. ગુજરાતમાં ગરીબો અને બાળકોનું શિક્ષણ મુશ્કેલરૃપ બની ગયું છે. રાજસ્થાનમાં ગહેલોત સરકારે મફતમાં સારવારની શરૃઆત કરી હતી. ગુજરાતમાં પણ તેમની સરકાર આવશે તો આવું જ કામ કરવામાં આવશે.
મોદી ગુજરાત મોડલ સંપૂર્ણપણે ફ્લોપ છે. અમે ગરીબ, મજૂરો અને સામાન્ય લોકો માટેનું મોડલ લાવીશું તેમ જણાવી રાહુલ ગાંધીએ મોદી સરકાર અને ગુજરાત સરકારોની આકરી ટીકા કરી હતી.
અમિતશાહના પુત્ર જય શાહના મુદ્દે રાહુલ ગાંધીએ પ્રહારો કરતા કહ્યું કે જય શાહની કંપનીનો નફો માત્ર થોડા દિવસોમાં પચાસ હજારથી વધીને ૮૦ કરોડનો કેવી રીતે થઈ ગયો તે તપાસનો વિષય છે. ગઈકાલે રાહુલ ગાંધીએ મોદી દેશના ચોકીદાર છે કે જય શાહની કંપનીના ભાગીદાર છે, તેવો કટાક્ષ પણ કર્યો હતો.
રાહુલ ગાંધીના જનસમર્થનના કારણે રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ પરથી વેટ હટાવ્યોઃ શક્તિસિંહ ગોહિલ
અમદાવાદ તા. ૧૦ઃ રાજ્ય સરકારે ચૂંટણી ટાણે પેટ્રોલ-ડીઝલના ભાવ પરથી વેટ હટાવ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતને કોંગ્રેસે ચૂંટણીલક્ષી ગણાવી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યાે છે કે, સરકારે પ્રજાને નજીવી રાહત આપી છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ટેક્સ ઘટવાનો યશ રાહુલ ગાંધી અને ગુજરાતની પ્રજાને જાય છે. રાહુલ ગાંધીને જનસમર્થન મળી રહ્યું હોવાથી સરકારે વેટમાં ઘટાડો કર્યાે છે. વર્ષાે સુધી સૌથી વધારે વેટ લઈને લોકોને લૂંટયા પછી ચૂંટણી ટાણે ઘટાડો કર્યાે છે. ગુજરાતના લોકો મૂર્ખ નથી તે બધુ જ જાણે છે.
Source: http://www.nobat.com/news_detail.php?news_id=3211da8c3532303734