જો મોદી ખેડૂતો અને યુવાનોના પ્રશ્નો ન ઉકેલી શકે તો કોંગ્રેસ આવીને છ મહિનામાં ઉકેલશે : રાહુલ ગાંધી

(એજન્સી) અમેઠી, તા. ૪
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન લોકોને નોકરીઓ આપવા અને ખેતીની આવકને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગઇ છે. દરમિયાન રાહુલ ગાંધીએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમનો પક્ષ આ અર્થતંત્રને છ મહિનામાં પાટા પર લાવી દેશે. પોતાની લોકસભા બેઠક અમેઠીમાં ખેડૂતો સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર ચાબખાં મારતા જણાવ્યું હતું કે, સરકારે ખેતીનો વિનાશ કરી નાખ્યો છે. રાહુલ ગાંધીએ ખેડૂતો સમક્ષ જણાવ્યંુ હતું કે, મોદીએ ભારતનો સમય બરબાદ કરવો ન જોઇએ અને ખેડૂતો તથા યુવાનો પર ધ્યાન આપવું જોઇએ.

રાહુલે જણાવ્યું કે, જો મોદી ખેડૂતો અને યુવાઓનું કલ્યાણ ન કરી શકતા હોય તો કોંગ્રેસ આ કામ છ મહિનામાં જ કરી દેશે. મોદીએ મેક ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ શરૂ કર્યંુ છે પરંતુ લોકોને નોકરી આપી શકતા નથી અને હવે લોકોને ગુસ્સો વધી રહ્યો છે. પીએમ મોદી પર તીવ્ર પ્રહારો કરતા રાહુલે કહ્યું કે, આર્થિક વિકાસની ચિંતા વધી રહી છે અને છેલ્લા ત્રિમાસિકમાં તે ત્રણ વર્ષના તળિયે ૫.૭ ટકાએ આવી ગયો છે. જ્યારે આર્થિક વિકાસના અંદાજમાં તેને હજુ પણ નબળો દેખાડવામાં આવ્યો છે ત્યારે મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે, તેમણે નોકરીઓનું સર્જન કરવું પડશે જ્યારે દર મહિને લાખો લોકોનો રોજગાર છીનવાઇ રહ્યો છે. સરકારે કૃષિ પ્રત્યે ઉદાસિનતા રાખતા ઘણા રાજ્યોમાં દેખાવો પ્રસર્યા છે. જેના કારણે કેટલાક રાજ્યોએ ખેડૂતોની લોન માફ કરવાની ફરજ પડી છે. પોતાના ભાષણમાં રાહુલે કોંગ્રેસના ખેડૂત સમર્થક રેકોર્ડને દેખાડ્યો હતો અને કહ્યું હતું કે, જીએસટીને કારણે નાના ઉદ્યોગો અને દુકાનદારોને માઠી અસર થઇ છે.

Source: http://www.gujarattoday.in/jo-modi-kheduto-ane-yuvanona/