કોંગ્રેસના ૧૫૦ ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર:બે દિવસમાં પ્રથમ યાદી જાહેર કરશે

અમદાવાદ, તા.17 નવેમ્બર 2017,શુક્રવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ‘શતરંજ’માં ૭૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની સાથે જ ભાજપે પ્રથમ ‘ચાલ’ને ચાલી દીધી છે. હવે કોંગ્રેસ ક્યારે અને કેવા પ્રકારના ઉમેદવારોની યાદી જાહેર કરે છે તેના પર નજર મંડાઇ છે. કોંગ્રેસે ૧૫૦ ઉમેદવારોના નામ પર મંજૂરીની મહોર લગાવી દીધી છે અને તે ૧૯ નવેમ્બરે પ્રથમ યાદી જાહેર કરે તેવી સંભાવના છે.

ચૂંટણીના પ્રથમ તબક્કા માટે કોંગ્રેસ રવિવારે ૮૯ ઉમેદવારો જાહેર કર તેવી સંભાવના છે. દિલ્હી ખાતે સાંજે કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટિની પ્રથમ બેઠક પૂર્ણ થઇ હતી. જેમાં ૧૮૨ બેઠક માટે વિવિધ ઉમેદવારના નામ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગે કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકનો પ્રારંભ થયો હતો અને લગભગ સાડા સાત કલાક સુધી મસલત થઇ હતી.

ગુજરાત કોંગ્રેસ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના ચાર થી પાંચ નેતાઓને ટિકિટ આપે તેવી પૂરી સંભાવના છે.

આ ઉપરાંત ઓગસ્ટ માસમાં યોજાયેલી ગુજરાત રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો સાથ નહીં છોડનારા ૪૪ ધારાસભ્યોને શિરપાવ પેટે ટિકિટ આપવામાં આવશે તેમ ચર્ચાઇ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભાની ૧૫૦ બેઠક માટે કોંગ્રેસે ઉમેદવારો પસંદ કર્યા છે. આ સિવાય ૩૦ ઉમેદવારોના નામ બાકી રાખવામાં આવ્યા છે. આ ૩૦ બેઠકો ગઠબંધન ધરાવતા પક્ષ માટે બાકી રાખવામાં આવી છે.

આજે દિલ્હી ખાતે યોજાયેલી બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ભરતસિંહ સોલંકી તેમજ અલ્પેશ ઠાકોર, પાસના નેતા દિનેશ બાંભણિયા, મનોજ પનારા, લલિત વસોયા, કિરીટ પટલે પણ હાજર રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ‘અમે આગામી એક-બે દિવસમાં પ્રથમ યાદી જાહેર કરીશું. અમારી તરફથી ઉમેદવારોના નામ નક્કી થઇ ગયા છે. ‘ ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કા માટે નામાંકનની અંતિમ તારીખ ૨૧ નવેમ્બર છે.

કોંગ્રેસ એનસીપી, જેડી (યુ) સાથે સંગઠન કરશે
આજે દિલ્હી ખાતે સ્ક્રિનિંગ સમિતિની બેઠક બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોતે એનસીપી, જેડી (યુ) સાથે સંગઠન કરવાના સંકેત આપ્યા હતા. અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, ‘અમે અમારા તરફથી ઉમેદવારોની યાદીને મંજૂરીની મહોર લગાવી દીધી છે. એનસીપી અને જેડી (યુ) સાથે સંગઠન અંગે અમારી વાટાઘાટ ચાલી રહી છે. સંગઠન અંગે યોગ્ય નિર્ણય લેવાશે તો તેના આધારે બાકીના ઉમેદવારો પસંદ કરવામાં આવશે.’

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/the-approval-clause-on-the-names-of-150-candidates-of-congress-will-announce-the-first-lis