કોંગ્રેસ સત્તા પર આવશે તો દસ દિવસમાં ખેડૂતોના દેવા માફીની નીતિ ઘડાશેઃ રાહુલ ગાંધી

અમરેલી તા. ૩૦ઃ

લાઠીમાં કોંગ્રેસની જંગી જાહેરસભામાં સંબોધન કરતા કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર આવશે તો દસ દિવસમાં ખેડૂતોના દેવા માફીની નીતિ ઘડવામાં આવશે.

અમરેલી જિલ્લાના લાઠીમાં કોંગ્રેસની જંગી જાહેરસભા યોજાઈ હતી, જેમાં બહોળો જનસમુદાય ઉમટી પડ્યો હતો.

લાઠીમાં રાહુલ ગાંધી પહોંચ્યા ત્યારે લોકોએ તેઓને હર્ષનાદોથી આવકાર્યા હતાં અને ‘જય સરદાર’ના નારા પણ લાગ્યા હતાં. આ દરમિયાન રાહુલ ગાંધીને ‘ઈન્ક્લાબ’ લખેલી ટોપી પણ પહેરાવવામાં આવી હતી.

રાહુલ ગાંધીએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું કે જો રાજ્યની જનતા કોંગ્રેસને સત્તા સોંપશે તો ખેડૂતોની દેવામાફી માટેની નીતિ દસ દિવસમાં ઘડાશે. ખેડૂતોને કહ્યું કે ઉદ્યોગપતિઓ માટે કામ કરતી સરકાર ખેડૂતો માટે કાંઈ કરતી નથી.

તેમણે કહ્યું કે ગુજરાતમાં કોઈપણ સમાજ સુખી નથી અને જે આંદોલનો ચાલી રહ્યા છે, તેમાં રાજ્યની જનતા સામેલ છે. તેમણે કહ્યું કે જનતાની વીજળી છીનવીને નેનો પ્રોજેક્ટને અપાઈ હતી, છતાં ‘નેનો’ ક્યાંય દેખાતી નથી.

નોટબંધીના કહેરની વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે નોટબંધી પછી લાગેલી લાઈનોમાં ક્યાંય કોઈ ઉદ્યોગપતિ ઊભેલો દેખાયો નહોતો. હકીકતે ઉદ્યોગપતિઓએ તેમના કાળા નાણા સફેદ કરી લીધા છે. આ કારનામા પાછલા બારણે થયા હતાં.

તેમણે કહ્યું કે નોટબંધી પછી બેરોજગારી વધી છે અને યુવાનોને રોજગાર મળી રહ્યો નથી.

મોદીજી કહેતા હતાં કે મને ૧૦ દિવસ આપો, હું કાળા નાણાને સફેદ કરી તમારા ખાતામાં ૧પ લાખ રૃપિયા નાખીશ, શું એ પૈસા આવ્યા? તેવો સવાલ ઊઠાવીને રાહુલે કહ્યું કે ગબ્બરસિંહ ટેક્સે નાના વેપારીઓનું પતન કર્યું છે.

ગુજરાતમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે તેમણે કહ્યું કે રાજ્યમાં નાણા વગર કોઈ કામ થતું નથી. દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. રાજ્યના દરેક સમાજો અને વર્ગોમાં રાજ્ય સરકાર પ્રત્યે વ્યાપક અસંતોષ છે અને કેન્દ્ર સરકારના નોટબંધી અને જીએસટી જેવા પગલાંઓએ જનતાની કમર તોડી નાખી છે.

અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો નફો અનેકગણો વધી કેવી રીતે ગયો, તે અંગે મોદી ચૂપ છે અને એક શબ્દ પણ બોલતા નથી, તેમ જણાવી રાહુલ ગાંધીએ કહ્યું કે રાફેલ ડીલમાં પણ ભ્રષ્ટાચાર થયો છે.

રાફેલની ડીલ એચએએલને આપવાની હતી પણ તેમ નહીં કરતા ક્યારેય વિમાનો બનાવ્યા ન હોય તેવી ૪ર હજાર કરોડનું દેવું ધરાવતી કંપનીને આ કામ સોંપી દેવામાં આવ્યું છે.

ગબ્બરસિંહ ટેક્સનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે અણઆવડતના કારણે વેપારીઓ હેરાન થયા છે, અને વગર વિચાર્યે થયેલા અમલના કારણે લોકોને વધુ ટેક્સ ભરવો પડે, તેવા સંજોગો સર્જાઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ રાજ્ય-કેન્દ્ર સરકારની નીતિઓ અને ભાજપના ભ્રષ્ટ શાસન પર પ્રહારો કરીને લોકોની આ વિકટ સ્થિતીમાં કોંગ્રેસ ગુજરાતની જનતાની પડખે ઊભી છે.

રાહુલ ગાંધીની જનસભામાં ઉમટી પડેલા લોકોએ ભાષણ દરમિયાન તાળીઓ પાડીને અને પ્રતિભાવો વ્યક્ત કરીને પ્રવચનને આવકાર્યું હતું.

Source: http://www.nobat.com/news_detail.php?news_id=9aa9725e3534383939