કોંગ્રેસ મહિલાઓને વધુ ટિકિટો આપશેઃ સંસદમાં પણ વધારાશે પ્રતિનિધિત્વઃ રાહુલ ગાંધી
અમદાવાદ તા. ૧૧ઃ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજથી ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રચાર કોંગ્રેસની નવસર્જન યાત્રા સાથે જોડાઈને શરૃ કર્યાે છે. અક્ષરધામ મંદિરમાં દર્શન કરીને તેઓ ચિલોડા, પ્રાંતિજ અને હિંમતનગરમાં વિવિધ સભાઓ ગજવી રહ્યા છે. તેમણે ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ વધુ ટિકિટ આપશે અને સંસદમાં પણ પ્રતિનિધિત્વ આપશે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર ઉદ્યોગપતિઓની મદદગાર છે અને ખેડૂતો પ્રત્યે બેદરકાર છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી આજે સવારે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા ગાંધીનગર અક્ષરધામ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમ્યાન તેર વિધાનસભા મતવિસ્તાર ખુંદી વળશે જેમાં આઠમાં ભાજપ અને પાંચમાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલ છે. અક્ષરધામમાં દર્શન કરીને તેઓએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યાે છે. તેઓ પ્રદેશ કોંગ્રેસ આયોજિત નવસર્જન યાત્રામાં જોડાયા છે.
અંબાજી માતાજી, બહુચરાજીમાં બહુચર માતાજી, શંખેશ્વરમાં જૈનપ્રભુ, પાટણમાં કાલિકા મૈયા અને દલિતોના ઈષ્ટદેવ વીરમાયાદેવ, વરાણામાં આઈ ખોડિયાર માતાજી તેમજ થરામાં વાળીનાથ દાદા સહિત કુલ સાત મંદિરોમાં દર્શન કરવા જશે. જ્યારે બાર સ્થળોએ જાહેરસભા સંબોધશે જેમાં પ્રથમ દિવસે ચિલોડ પ્રાંતિજ, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મામાં સભા કરશે. બીજા દિવસે રવિવારે પાનલનપુર, ડીસા, થરા અને પાટણમાં જાહેરસભા સંબોધશે. જ્યારે ત્રીજા દિવસે સોમવારે વરાણા, બહુચરાજી, મહેસાણા અને વીસનગરમાં સભા કરશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ અતિવૃષ્ટિ સમયે ધાનેરાની મુલાકાત સમયે રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકાવાની ઘટના બની હતી જેને લઈ આ વખતે સ્થાનિક પોલીસ ઉપરાંત એસપીજી દ્વારા વિશેષ બંદોબસ્ત વ્યવસ્થા કરાઈ છે.
તેઓ પ્રાંતિજ પછી હિંમતનગરમાં ખેડૂત સભાને સંબોધન કર્યા બાદ બપોરે બે વાગ્યે ઈડરની સરપ્રતાપ હાઈસ્કૂલમાં યુવા રોજગાર સભા અને ૩ઃપ૦ વાગ્યે ખેડબ્રહ્મામાં આદિવાસી વિકાસસભાને સંબોધન કરશે જેમાં ખેડૂતો, મોંઘવારી, રોજગારી અને આદિવાસીઓ સહિતના પ્રશ્નો ઉઠાવશે, સાંજના પાંચ વાગે દાંતા તાલુકાના હડાદથી બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરશે ત્યાંથી અંબાજીમાં મા અંબાના દર્શન કરી અહીં જ રાત્રિ રોકાણ કરશે.
આજે બપોર સુધી વિવિધ સ્થળોએ યોજાયેલી પ્રચારસભાઓને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતં કે કોંગ્રેસ મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવાની નીતિ ધરાવે છે તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓને વધુ ટિકિટો ફાળવશે, એટલું જ નહીં પણ રાજ્યસભા અને લોકસભાને પણ પ્રતિનિધિત્વ આપશે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતની જનતાના દબાણના કારણે જીએસટીના દરો ઘટાડવા સરકારને ઝૂકવું પડયું છે. જીએસટી અને નોટબંધીના કારણે લાખો યુવાનો બેરોજગાર થયા છે.
ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે માત્ર થોડા ઉદ્યોગપતિઓને આ સરકરો મદદ કરી રહી છે અને ખેડૂતો પ્રત્યે દુર્લક્ષ્ય સેવી રહી છે. ખેડૂતોની દેવા માફી, પાક વીમો અને પોષણક્ષમ ભાવોના મુદ્દાઓનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં ખેડૂતો ભાજપના શાસનથી નારાજ છે અને મોદી સરકાર તથા રૃપાણી સરકાર સામે સમાજના અનેક વર્ગાેમાં ભારે અસંતોષ છે.
ઉત્તર ગુજરાત વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. ઉ. ગુજરાતના મહેસાણા જિલ્લામાં પીએમ મોદીનું ગામ વડનગર આવે છે અને અમિત શાહનું પણ મૂળ વતન માણસા અહીં જ આવ્યું છે. પોતાના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી ગાંધીનગરના ચિલોડાથી શરૃઆત કરી છે અને ઉત્તર ગુજરાતના ઓગણીસ વિધાનસભા ક્ષેત્રોમાં રોડ-શો, જાહેરસભા અને લોકસંવાદ યોજશે જેમાં તેઓ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં નોટબંધી અને જીએસટીના મુદ્દાઓને લઈ મોદી સરકાર અને ભાજપ પર પ્રહારો કરશે.
તેઓ પાટીદારો અને ઓબીસી બહુસંખ્યક વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો સાથે બેઠક પણ યોજે તેવી શક્યતા છે. આ ઓગણીસ વિધાનસભા બેઠક પૈકી કોંગ્રેસ પાસે દસ અને ભાજપ પાસે નવ બેઠક છે. સમગ્ર ઉ. ગુજરાતમાં કુલ ૩ર વિધાનસભા બેઠકો છે જ પૈકી ૨૦૧૨ના ચૂંટણીમાં કોંગ્રેસે અઢાર અને ભાજપે ચૌદ બેઠકો જીતી હતી.
રાહુલ પોતાના પ્રવાસમાં વડનગરની મુલાકાત નહી લે, પરંતુ જુલાઈ ૨૦૧૫માં જયાંથી પાટીદાર અનામત આંદોલન શરૃ થયું હતું તે વીસનગરની મુલાકાત લેશે. રાહુલના આ પ્રવાસ દરમ્યાન તાજેતરમાં કોંગ્રેસમાં જોડાનાર અલ્પેશ ઠાકોર પણ સાથે રહેશે.
અલ્પેશે કહ્યું કે ઉત્તર ગુજરાતમાં આવેલા ભયંકર પુરમાં હજારો પરિવારો ઘરબાર વગરના થઈ ગયા છે, પરંતુ ભ્રષ્ટાચારના કારણે તેમના સુધી કોઈ સરકારી સહાય પહોંચી જ નથી. કોંગ્રેસ ઠાકોરનું પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં ભારે સરસાઈથી જીતવાની આશા સેવી રહી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ગત વર્ષે આવેલા પુરમાં રાહુલ ગાંધીએ ઉત્તર ગુજરાતની મુલાકાત લીધી હતી. આ વખતે પણ તેઓ લોકોને મળીને તેમની મુશ્કેલીઓ જાણશે તેઓને લોકોનું બહોળા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના લોકોએ આ વખતે ભાજપને હરાવવા મન બનાવી લીધું છે.
છેલ્લા અહેવાલો મુજબ રાહુલ ગાંધીએ પ્રાંતિજમાં યોજાયેલી સભામાં જણાવ્યું હતું કે નોટબંધી પછી ચોરોએ કાળુ નાણુ સફેદ કરી લીધું છે. જીએસટીની મુશ્કેલીઓ માટે પણ અમે સરકારની પાછળ પડયા છીએ અમે ટેક્સ ઘટાડવા દબાણ વધારશું તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવો વધતા મોંઘવારી વધી છે. વિશ્વમાં ક્રૂડના ભાવો ઘટે તો પણ મોદી સરકાર ભાવો ઘટાડતી નથી અમે એવું થવા દીધું નહોતું. મોંઘવારી માટે મોદી સરકાર જવાબદાર છે અમે સૌને સાથે રાખીને આગળ વધીશું.
રાહુલ ગાંધીએ જય શાહનું નામ લઈને પણ પ્રહારો કર્યા હતા અને ગરીબોને સાથે રાખીને કોંગ્રેસ ચાલશે તેવું વચન આપ્યું હતું. તેમણે ગેરકાયદે ખનન અને શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચારના મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા.
Source: http://www.nobat.com/news_detail.php?news_id=d33d546b3533383137