કૉંગ્રેસની સરકાર બનશે તો લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને પ્રાધાન્ય આપશે: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની યાત્રાને મળ્યું પ્રચંડ જનસમર્થન
અમદાવાદ: કૉંગ્રેસના આગામી વિધાનસભાની ચૂંટણીમાં જો કૉંગ્રેસની સરકાર ચૂંટાઇ આવશે તો ફકત ત્રણ-ચાર ઉદ્યોગપતિઓની સરકાર બનવાને બદલે લોકોની સરકાર બનીને કામ કરશે, તેમ ગુજરાતની મુલાકાતે આવેલા કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડોદરાના સયાજી હોલ ખાતે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું.
મધ્ય ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસના બીજા દિવસે કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મનકી બાત ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસની સરકારમાં આજે મારા મનની વાત જેવું નહીં હોય, પરંતુ પ્રજા આ સરકારની સીધી ટીકા આલોચના કરી શકશે અને સરકાર પણ તમામ પ્રકારની આલોચનાને હકારાત્મક રીતે સાંભળીને પ્રજાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવશે. રાહુલ ગાંધીએ ખાનગીકરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આજે લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ઉત્તેજન આપવું જોઇએ. દેશમાં અત્યારે ફકત આઠ-દસ ઉદ્યોગો પર જ ફોકસ કરાઇ રહ્યું છે. બૅંકમાં નોન પફોમિર્ર્ંગ એસેટ તરીકે જમા સાત લાખ કરોડથી ગુજરાતીઓની જન્મજાત સાહસિકતાને પ્રોત્સાહન મળી શકે છે અને જે બેન્કિંગ સિસ્ટમ ઠપ થઇ છે તેને બદલે રાજ્યના દરેક જિલ્લામાં ઉદ્યોગો વિકસાવી શકાય તેમ છે. અદાણીનો ઓસ્ટ્રેલિયામાં થયેલા વિરોધનો આડકતરો ઉલ્લેખ કરતાં રાહુલે જણાવ્યું હતું કે, તેમની સામે છેક ઓસ્ટ્રેલિયામાં વિરોધ થઇ રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનો ઉલ્લેખ કરતાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્ટાર્ટ-અપ સ્કીમ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્ટાર્ટ-અપ ઇન્ડિયાને શાહ સ્ટાર્ટ-અપ તરીકે ઓળખાવીને ફકત છ સાત વર્ષ જૂની કંપની અચાનક જ કેવી રીતે આગળ વધી ધીકતી કમાણી કરતી થઇ ગઇ. તેવો પ્રશ્ર્ન પૂછીને તેમણે મીડિયા જય શાહની કંપનીના સમાચારને યોગ્ય રીતે ઉઠાવતું નથી તે અંગે ખેદ વ્યકત કર્યો હતો. રાહુલ ગાંધીએ નૉટબંધી અને જીએસટીથી દેશની આર્થિક વ્યવસ્થાની કમર તૂટી ગઇ હોવાનો ઉલ્લેખ કરતાં તત્કાલીન યુપીએ સરકારને જીડીપીના મામલે હાલની એનડીએ સરકાર કરતાં બહેતર ગણાવી હતી. યુપીએ સરકારની નીતિરીતિમાં ખેડૂતો, શ્રમિકો સહિતના તમામ વર્ગોનો સમાવેશ કરાતો હતો.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=383270