કોંગ્રેસ લોકોના અસંતોષ, સરકારની નિષ્ફળતા પર વધુ ફોકસ કરશે

October 30, 2017, 11:40 am

અમદાવાદ: વિધાનસભાની ચૂ્ંટણીમાં કોંગ્રેસ માટે ‘આ પાર કે પેલે પાર’ જેવી રાજકીય સ્થિતિ ઉદ્ભવી છે. રાજ્યમાં ભાજપના સળંગ બાવીસ વર્ષના શાસનથી સ્વાભાવિકપણે પ્રજામાં અમુકઅંશે ‘એ‌િન્ટ-ઇન્કમબન્સી’ જોવા મળે છે. વિધાનસભાની ૧૮ર બેઠક પૈકી એક-એક બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં રાહુલ ગાંધીની રાહબરી હેઠળ ‘માઇક્રો પ્લાનિંગ’ કરનાર પક્ષ આગામી દિવસોમાં પ્રજામાં ફેલાયેલા અસંતોષ પર વિશેષ ધ્યાન કે‌િન્દ્રત કરીને રાજનીતિ કરશે.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યના રાજકારણમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી ચર્ચાસ્પદ બન્યા છે. ખાસ કરીને કોંગ્રેસની રાજનીતિ આ ત્રણેય યુવા ચહેરાને ખાસ મહત્ત્વ આપીને આગળ ધપતી હોવાનું જનમાનસમાં વર્તાઇ રહ્યું છે. મતદારોને આકર્ષી શકે તેવા ચહેરાની તલાશમાં પક્ષ હાઇકમાન્ડે અલ્પેશ ઠાકોરનું દબદબાભેર કોંગ્રેસમાં સ્વાગત કર્યું છે, જોકે અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પ્રવેશથી અન્ય સમાજમાં ગણગણાટ ફેલાયો છે.

પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રો કહે છે, “હાઇકમાન્ડને પણ અન્ય કોંગ્રેસ સમર્થક સમાજમાં સતત આ યુવા ત્રિપુટીને લઇ અપાઇ રહેલા મહત્ત્વની ચર્ચાઓ થઇ રહી છે. યુવા ત્રિપુટીના કારણે પક્ષ પોતાના મૂળ મુદ્દાઓથી કંઇક અંશે ફંટાઇ ગયો છે તેમ પક્ષના કેટલાક આગેવાનોને પણ લાગી રહ્યું છે. આ નેેતાઓએ પોતાની લાગણીથી પક્ષ હાઇકમાન્ડને વાકેફ પણ કરેલ છે. આ બધા કારણસર હાઇકમાન્ડે હવે પછી એ‌િન્ટ-ઇન્કમબન્સી પર વધુ ભાર મૂકવાનો નિર્ણય લીધો છે.”

કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સ્તરના નેતાઓના ગુજરાત પ્રવાસનું આયોજન ઘડી કઢાયું છે. હવે પક્ષ સોશિયલ મીડિયા ઉપરાંત રાષ્ટ્રીય નેતાઓની જાહેર સભાના માધ્યમથી પ્રજામાં જીએસટી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ-આવાસ અને આરોગ્ય ક્ષેત્રનું ખાનગીકરણ વગેરે મુદ્દાઓ પર ફેલાયેલા અસંતોષને વાચા આપીને મતદારોની સહાનુભૂતિ મેળવશે. ડો.મનમોહનસિંહ, સામ પિત્રોડા, શશી થરુર, નવજોતસિંહ સિદ્ધુ, જ્યોતિરાવ સિંધિયા, કામ્યા, આનંદ શર્મા વગેરેના ગુજરાત પ્રવાસમાં સરકારની નિષ્ફળતાઓ વિશે આક્રમક વલણ અપનાવાશેે.

Source: http://sambhaavnews.com/gujarat/congress-will-focus-more-on-the-dissatisfaction-of-the-people-the-failure-of-the-government/