ગુજરાતમાં ભાજપના શાસનમાં નાના અને મધ્યમ કદના ૫૫ હજાર જેટલા ઉદ્યોગો બંધ થયા: કૉંગ્રેસ

23rd October 2017

અમદાવાદ: ભાજપના ૨૨ વર્ષના ભ્રષ્ટ શાસનને લીધે ગુજરાતમાં વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વ્યાપારીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ અને કાયદો-વ્યવસ્થા ક્ષેત્રમાં ભાજપના ૨૨ વર્ષના શાસન અંગે ખુલ્લી ચર્ચાની માગ ડૉ. મનિષ દોશીએ કરી હતી.

ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ-ખાનગીકરણના કારણે શિક્ષણ ક્ષેત્રે અંજપો-અરાજકતાનું વાતાવરણ છે. કૉંગ્રેસના શાસનમાં ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશમાં ૯ ક્રમાંકે હતું જે પાછળ ધકેલાઈને ૨૧માં અને ૨૩માં ક્રમાંકે પહોંચી ગયું છે. ગુજરાતમાં ૧૦.૪૬ લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયેલ છે અને ન નોંધાયેલા ૪૦ લાખ શિક્ષિત બેરોજગાર એટલે કે કુલ ૫૦ લાખ જેટલા શિક્ષિત બેરોજગાર રોજગારી માટે ભાજપ સરકાર પાસે જવાબ માંગે છે.

ગુજરાતમાં ફીકસ પગાર પ્રથા, આઉટ સોર્સિંગ, કોન્ટ્રાકટ, આંગણવાડી, આશાવર્કર, લીંકવર્કર, મધ્યાહન ભોજન કર્મચારીઓને નજીવું વેતન આપીને આર્થિક શોષણ થઈ રહ્યું છે. સરકારી નોકરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જેમ કે તલાટી ભરતીમાં ૧૫-૧૫ લાખ, ગુજરાત ગૌણ સેવા પસંદગી, ગુજરાત પંચાયત સેવા પસંદગી અને ગુજરાત જાહેર સેવા આયોગની ભરતીમાં પેપર ફુટવા, મેરીટમાં ગેરરીતિઓ અને નિમણૂકમાં ૧૫ લાખથી લઈને ૧.૫ કરોડ સુધીના ભાવો બોલાય છે.

ભાજપના શાસનમાં ગુજરાતના ઓળખસમા નાના અને મધ્યમ કદના ૫૫,૦૦૦ જેટલા ઉદ્યોગો બંધ થયા છે.

Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=384117