2G પર સંસદમાં હોબાળો; જે આધારે અમે વિપક્ષમાં આવ્યાં તે સ્કેમ થયું જ નથી- આઝાદ

Dec 21, 2017, 01:04 PM IST

નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષનો સરકાર પર હુમલો યથાવત જ છે. 2G કૌભાંડમાં કોર્ટના ચૂકાદા પછી રાજ્યસભામાં વિપક્ષે જોરદારો હોબાળો કર્યો છે. વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે રાજ્યસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. ગુલામનબી આઝાદે ગૃહમાં કહ્યું કે જે કૌભાંડના કારણે અમારી સરકાર ગઈ તેવો કૌઈ સ્કેમ તો થયો જ નથી, ભાજપ આ મુદ્દે જવાબ આપે. તો પૂર્વ વડાપ્રધાન અંગેના પીએમ મોદીના નિવેદનને લઈને આજે પણ રાજ્યસભામાં ભારે હંગામો જોવા મળ્યો, પરિણામે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

કોઈ કૌભાંડ થયું જ નથી, સરકાર જણાવે રૂપિયા કયાં ગયા?
– 2G મામલે ગુરૂવારે પણ સંસદમાં હંગામો જોવા મળ્યો.
– રાજ્યસભામાં કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે, “જે આધાર પર અમે ત્યાંથી અહીં આવ્યાં, હકિકતમાં તો આવો જ કોઈ કૌભાંડ થયો જ નથી. સરકાર જણાવે કે 1 લાખ 76 હજાર કરોડ રૂપિયા કયાં ગયા.”
– CBIની સ્પેશિયલ કોર્ટે 2G મામલે પૂર્વ મંત્રી એ. રાજા, કનિમોઝી સહિતના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં છે.
– ગત દિવસોમાં મોદીના મનમોહનસિંહ પર આપવામાં આવેલા નિવેદનને મુદ્દો બનાવી કોંગ્રેસ સંસદમાં ભારે હોબાળો કરી રહ્યું છે. કોંગ્રેસ, મોદી પાસે માફીની માગને લઈને અડગ છે.

શું બોલ્યાં હતા વેંકૈયા?
– બુધવારે રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ ગૃહમાં કહ્યું હતું કે, “જ્યારે વડાપ્રધાને આ પ્રકારનું કોઈ જ નિવેદન ગૃહમાં નથી આપ્યું ત્યારે તેમને સંસદમાં માફી માગવાની શું જરૂર છે? કોંગ્રેસની આ પ્રકારની માગ કરવી તે ખોટી વાત છે.”
– મોદીના નિવેદનને મામલે છેલ્લાં 3 દિવસથી સંસદની કાર્યવાહી ખોરવાઈ રહી છે.

દેશ પ્રત્યે પ્રામાણિક રહ્યા મનમોહન
– ગુલામ નબી આઝાદે કહ્યું, “ડૉ. મનમોહન સિંહ દેશ પ્રત્યે પ્રામાણિક રહ્યા છે. તેને લઇને કોઇ સવાલ ન ઉઠાવી શકે. પીએમ મોદીએ ગૃહમાં આવીને આ માટે સ્પષ્ટતા કરવી જોઇએ.”
– કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ક્રિમિનલ નેતાઓ માટે સ્પેશિયલ કોર્ટ બનાવવાના મુદ્દા પર કહ્યું કે વધુ કોર્ટ બનાવવાના મામલાને લઇને સરકારે ફંડ જાહેર કરવું જોઇએ. તેમણે એમપણ કહ્યું કે કોર્ટની સંખ્યા વધુ હશે તો કેદીઓનું ટ્રાયલ જલ્દી થશે અને તેમને જેલમાં લાંબો સમય નહીં રહેવું પડે.
– તેના પર આઝાદે કહ્યું કે કાયદો તમામ માટે સરખો છે. બિલને આ માટે અલગથી ન જોઇ શકાય.

મોદીના નિવેદન પર મનમોહને શું કહ્યું?
ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો મેસેજમાં મનમોહન સિંહે કહ્યું હતું, હું એ આરોપોથી ખૂબ જ દુઃખી છું જે બીજા કોઈએ નહીં પરંતુ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાવ્યા છે. એ બિલકુલ સ્પષ્ટ છે કે તેઓ ગુજરાત ચૂંટણીમાં હાર જોઈ જતા ગભરાઈ જતા આવા આરોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસને પોતાની રાષ્ટ્રભક્તિ પુરવાર કરવાની જરૂર નથી, આ બધા લોકો જાણે છે. તેઓ બંધારણમાં દાયરામાં આવતા પદને નુકસાન કરવાની પોતાની મહાત્વાકાંક્ષાના કારણે આ ખોટી પરંપરાને પ્રોત્સાહન અાપી રહ્યા છે. હું તેમના આરોપોને નકારી રહ્યો છું. મેં મણિશંકર ઐય્યર દ્વાર આયોજીત કરવામાં આવેલા ડિનરમાં ગુજરાત ચૂંટણી પર ચર્ચા ન થી કરી.

Source: https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-congress-said-2g-scam-was-propaganda-against-upa-pm-clarificaton-for-this-issue–5774411-PHO.html