ગુજરાતને ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં કોંગ્રેસનો જ મોટો ફાળો : રાજીવ શુક્લા
વડોદરા, તા.૨૮
ગુજરાતમાં ૮૦ ટકા ગ્રેજ્યુએટ ઇજનેરો બે રોજગાર છે. ૬૦ હજાર લઘુ અને કુટિર ઉદ્યોગોને તાળા લાગી ગયા છે. ૯૩ ટકા રોજગારી કોન્ટ્રાકટ બેઝ ઉપર આપવામાં આવે છે. જેમાં રોજગારીની સુરક્ષા હોતી નથી. ૨૨ વર્ષથી ભાજપને મત આપવા છતાં ગુજરાતમાં રોજગારી ઘટી રહી છે. તેમ આજે અહીં વડોદરા ખાતે ચૂંટણી પ્રચાર કરવા આવેલા કોંગ્રેસના રાજસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવકતા રાજીવ શુકલાએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતને ઔદ્યોગિક કેન્દ્ર બનાવવામાં કોંગ્રેસનો જ મોટો ફાળો છે. આઇઓસી, જીએસએફસી, જીએસીએલ, ઓએનજીસી ગેલ જેવા વિશાળ ઉદ્યોગોની સ્થાપના કોંગ્રેસના શાસનમાં થઇ હતી. અમદાવાદ-વડોદરા વચ્ચે એક્સપ્રેસ હાઇવેનું નિર્માણ પણ કોંગ્રેસકાળમાં થયું હતું.
નરેન્દ્ર મોદી ૨૦૧૪ માં લોકસભાની ચૂંટણી વડોદરા અને વારણસીથી લડયા હતા. પરંતુ વડોદરા છોડી તેમણે વારણસીનાં પ્રતિનિધિ થવાનું પસંદ કર્યું હતું. તેમણે વડોદરાના લોકોનો વિશ્વાસ તોડી નાંખ્યો હતો.
૨૦૧૪ લોકસભા ચૂંટણી પ્રચારમાં દરવર્ષે ૨ કરોડ યુવા બેરોજગારોને રોજગાર આપવાનું વચન હજી સુધી પાળ્યું નથી. ગુજરાતમાં બેરોજગારીનો આંક વધી રહ્યો છે. નોટબંધી અને ક્ષતિથી ભરપુર જીએસટી લાગુ કર્યા બાદ ગુજરાતનું અર્થતંત્ર ડામાડોળ થઇ ગયું છે. વેપારીઓ અને નાના ઉદ્યોગો બંધ થઇ ગયા છે. નોટબંધી દરમિયાન કેન્દ્ર સરકારે ૧૩૫ સુધારા કર્યા હતા. છતાં કાળુ નાણું બહાર નથી આવ્યું. આતંકવાદી હુમલામાં ૪૦ ટકા વધારો થયો છે. જવાનો શહિદ થવાની ઘટનામાં ૮૨ ટકા વધારો થયો છે.
યુપીએ સરકારે રજૂ કરેલી જીએસટી દરખાસ્તમાં મહત્તમ ૧૮ ટકા નિર્ધારિત કર નક્કી કરેલા તેના વિપરિત મોદી સરકારે મંજુર કરેલી જીએસટી દરખાસ્ત અટપટી તેમજ અનેક ખામીથી ભરપુર છે જેને લીધે અર્થ વ્યવસ્થા ખોરવાઇ ગઇ છે. તેમ તેમણે વધુમાં કહ્યું હતું.
Source: http://www.gujarattoday.in/gujarat-ne-audhogik-kendra/