ભાજપનો સંકલ્પપત્ર ગુજરાત વિરુદ્ધનો પત્ર, કોઈ વિઝન નથી : કોંગ્રેસ

ભાજપના ચૂંટણીઢંઢેરા વિશે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના પ્રવકતા આર જે સુરજેવાલાએ તેને ગુજરાત વિરુદ્ધનો પત્ર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ભાજપના ચૂંટણીઢંઢેરામાં કાંઈ નથી.

સુરજેવાલાએ કહ્યું કે, “ભાજપનો ચૂંટણીઢંઢેરો જોતાં એવું લાગે છે કે ભાજપ પાસે કોઈ મુદ્દા કે વિઝન નથી. માત્ર ટેલિવિઝન છે. ગુજરાત વિરોધી કાગળનો ટૂકડો છે. ભાજપે રાજ કર્યું પણ ભાજપ જનતાને મળનારા ફાયદાની વિરોધમાં છે. પાટીદાર અનામતનો વિરોધ કર્યો. હવે ખુલ્લો વિરોધ કર્યો. ખેડૂતોનો ખુલ્લો વિરોધ કર્યો. કોંગ્રેસે વર્ષ 2008માં જ દેવું માફ કર્યું તેની સામે પણ સવાલ ઉભા કર્યા હતા.”

આર જે સુરજેવાલાએ વધુંમાં કહ્યું હતું કે, “ભાજપે બેરોજગારી ભથ્થાનો પણ વિરોધ કર્યો. પેટ્રોલ ડિઝેલમાં કોંગ્રેસે 10 રૂપિયાના ઘટાડાની વાત કરી હતી, તેનો પણ વિરોધ કર્યો હતો. સરકારી શિક્ષણનો પણ વિરોધ કર્યો. યુવતીઓને મફત શિક્ષણનો પણ વિરોધ કર્યો છે. પેટ્રોલ – ડિઝેલને જીએસટીમાં સમાવવાનો પણ વિરોધ કર્યો છે.”

સુરજેવાલાએ અરુણ જેટલી પર ગંભીર આરોપ મુકતા કહ્યું હતું કે, “ગુજરાતના વાર્ષિક વિકાસ દર અંગે પણ અરુણ જેટલી જુઠ્ઠું બોલ્યા છે. નીતિ આયોગના આંકડાના બદલે ખાનગી એજન્સીઓના આંકડાં બતાવ્યા છે. ખોટાં વાયદાઓ અને ખોટાં ઈરાદાઓ. આ વસ્તુઓ જ ભાજપના સંકલ્પપત્ર એટલે કે ગુજરાતના વિરોધ પત્રમાં દેખાય છે. પાક વિમા યોજના ખેડૂત ફસાયા યોજના બની છે. ખાનગી કંપનીની કમાણી માટેની યોજના છે. મહિલા સુરક્ષા અંગેના ભાજપના સંકલ્પપત્રમાં એક શબ્દ નથી. ભાજપ પાસે ગુજરાતમાં નેતૃત્વ નથી. માટે સંકલ્પપત્રમાં મોદી અને અમિત શાહના જ ફોટા છે. ભાજપનો ચહેરો ખેડૂત, વેપારી અને યુવાઓનો વિરોધી છે.”

Source: http://sandesh.com/congress-reacted-on-bjps-election-manifesto/