પેટાચૂંટણીમાં ભવ્ય જીત બાદ કોંગ્રેસે કર્યો કટાક્ષ, ‘અમારા વિજય માટે PM મોદીને અભિનંદન’
October 16, 2017 | 9:23 am IST
ગુરદાસપુર પેટાચૂટણીમાં વિજય માટે કોંગ્રેસે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. પીએમ મોદી પર કટાક્ષ કરતાં કોંગ્રેસના પ્રવક્તા ટોમ વડક્કને જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિજય માટે હું વડાપ્રધાન મોદીને અભિનંદન આપવા માગું છું. વડાપ્રધાન મોદીએ ઘણી મહેનત કરી છે. પીએમ મોદી જ્યાં પણ જાય છે ત્યાં લોકોને જોડવાની વાત કરતા નથી, લોકોને પ્રેમની વાત કરતા નથી. તેમને તો હિંદુ, મુસ્લિમ, શિખ અને ખ્રિસ્તી એમ અલગ અલગ લોકો નજરે પડે છે. તેઓ હંમેશા ટકાવારીમાં વાત કરતાં હોય છે. મતની ટકાવારીથી દેશ ચાલતો નથી. વડક્કને લોકોને ગળે મળવાની મોદીની આદત પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ભાષણ આપવું અલગ છે. તમે ભાષણ તો બધાને આપી શકો છો કે ફલાણી વ્યક્તિ મારો મિત્ર છે, પછી ભલે તે સજ્જનને તમે પહેલીવાર કેમ ન મળ્યા હો. તમે લોકોને ભેટતા હોવ છો પણ ભેટવાથી દિલ મળતાં નથી. ભેટવામાં અને દિલ મળવામાં ફેર હોય છે.
કેરળમાં કોંગ્રેસ નિત યુડીએફનો વિધાનસભા પેટાચૂંટણીમાં વિજય, ભાજપ ચોથા સ્થાને
કેરળમાં યોજાયેલી વેંગારા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સત્તાધારી એલડીએફને પરાજયનો સામનો કરવો પડયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસનાં નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના મુસ્લિમ લીગના ઉમેદવાર કેએનએ ખાદેરનો વિજય થયો હતો. ભાજપનાં નેતૃત્વ હેઠળના એનડીએના ઉમેદવારને ચોથું સ્થાન પ્રાપ્ત થયું હતું. ખાદેરે તેમના નજીકના સીપીએમ ઉમેદવાર પી. પી. બશીરને ૨૩,૦૦૦ મતથી પરાજય આપ્યો હતો.
Source: http://sandesh.com/congress-on-gurdaspur-win/