સૌરાષ્ટ્રમાં ભાજપનાં બે-ત્રણ દાયકા જૂના ગઢને કોંગ્રેસે કર્યા ધરાશાયી
રાજકોટ, તા.19 ડિસેમ્બર 2017,મંગળવાર
વિકાસનાં મુદ્દા ઉપર બે-ત્રણ દાયકાથી ભગવો લહેરાતો હતો એવા ભાજપનાં અનેક ગઢ આ વખતે ધરાશાયી થઈ ગયા છે. ખાસ તો કાલાવડ, મોરબી, ટંકારા, ખંભાળિયા, જૂનાગઢ, કોડીનાર, સાવરકુંડલા, તળાજામાં છેલ્લી પાંચ-છ વિધાનસભા ચુંટણીથી વિજયી જ બનતા રહેવાની ભાજપની પરંપરાને અટકાવીને મતદારોએ કોંગ્રેસને તક આપી છે.
સૌરાષ્ટ્રમાં સન ૧૯૮૫થી માંડીને વર્ષ ૨૦૧૭ સુધીમાં આઠ વખત વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાઈ છે. જેમાં ૧૯૮૫, ૧૯૯૦, ૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭, ૨૦૧૨ અને ૨૦૧૭નો સમાવેશ થાય છે. જેમાં બે-ત્રણ દાયકાથી રાજકોટ, જામનગર, વઢવાણ, મોરબી, ટંકારા, કાલાવડ, ખંભાળિયા, જૂનાગઢ, કોડીનાર, સાવરકુંડલા, કેશોદ, બોટાદ, મહુવા, ભાવનગર અને પાલીતાણાની બેઠકો ભાજપના ગઢ સમાન સ્થાપીત થઈ છે. જ્યારે જદણ બેઠક ઉપર ત્રણ દાયકાથી કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે.
વિધાનસભા- ૨૦૧૭ની ચુંટણીમાં પાટીદાર ફેક્ટર, વિકાસના ગપગોળા, નોટબંધી, જીએસટી જેવા મુદ્દાઓએ એક વર્ષમાં જ શાસક ભાજપને ભયભીત કરી દઈને વિપક્ષ કોંગ્રેસમાં નવસર્જનની નવી આશા જન્માવી હતી. જેની મહત્તમ અસર સૌરાષ્ટ્રની ૪૮ બેઠકો ઉપર મહદઅંશે દેખાઈ છે. કેમ કે, સૌરાષ્ટ્રની ૨૮ બેઠકો ઉપર કોંગ્રેસે કબ્જો જમાવી લીધો છે, તો માત્ર ૧૯ બેઠકો ઉપર જ કમળ ખીલી શક્યું છે.
હવે છેલ્લી આઠ વિધાનસભા ચુંટણીનું સૌરાષ્ટ્રનું વિશ્લેષણ કરીએ તો કાલાવડ બેઠક ઉપર પાંચ દાયકા બાદ કોંગ્રેસ વિજેતા થયું છે. અહીં ૩૨ વર્ષ જૂનો ભાજપનો ગઢ ધરાશાયી થઈ ગયો છે. એ જ રીતે ટંકારામાં ૨૭ વર્ષથી ભાજપનું શાસન ચાલ્યું આવતું હતું, જે ગુમાવ્યું છે. મોરબી, ખંભાળિયા, કોડીનાર અને તળાજામાં ૨૨ વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન ચાલતું હતું.
સન ૧૯૯૫થી ચાલી આવતી ભાજપની વિજયયાત્રાને આ વખતે મતદારોએ થંભાવી દઈને કોંગ્રેસને જીત અપાવી છે. એ જ રીતે સન ૧૯૯૮થી જૂનાગઢ અને સાવરકુંડલામાં ચાર ચુંટણી જીતનાર ભાજપનાં ઉમેદવારોને મતદારોએ આ વખતે જાકારો આપ્યો છે. અહીં ૧૯ વર્ષ જૂનો ભાજપનો ગઢ ધરાશાયી થયો છે.
દર પાંચ વર્ષે ખેલાતા ચુંટણી જંગમાં જોઈએ તો દસાડા, ગઢડા અને માંગરોળમાં કોંગ્રેસે જોરદાર જીત મેળવીને ભાજપની વિજયી થવાની હેટ્રીકની આશા પર પાણીઢોળ કરી નાંખ્યું હતું. જ્યારે વાંકાનેરમાં કોંગ્રેસ તો દ્વારકામાં ભાજપે સતત ત્રીજી વખત વિધાનસભા બેઠક જીતીને હેટ્રીક નોંધાવવામાં સફળ પણ થયા છે.
અમુક વિધાનસભા બેઠકો એવી છે જ્યાં વારંવાર પરિણામો આંટીઘુંટી ધરાવતા આવ્યા છે. ગોંડલ બેઠક ઉપર ૧૯૯૦ અને ૧૯૯૫માં અપક્ષ તો ૨૦૦૭માં એનસીપીનાં ઉમેદવાર ચુંટાયા હતા. એ જ રીતે દ્વારકામાં પણ ૧૯૮૫થી ૧૯૯૮ સુધી અપક્ષ ઉમેદવાર ચુંટાયા હતા.
જ્યારે તાલાલાની બેઠક ઉપર છેલ્લા ત્રણ દાયકામાં ભાજપ કે કોંગ્રેસ વચ્ચે દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન થતું જ આવ્યું છે. જ્યારે જામનગર રૃરલમાં આવી પરંપરાને કોંગ્રેસે બીજી વખત જીતીને બ્રેક લગાવી દીધી છે.
પાલીતાણા બેઠકની વાત કરીએ તો ૧૯૯૫થી ભાજપનું શાસન હતું, પણ ગત ૨૦૧૨માં ૧૭ વર્ષ જૂનો ગઢ કોંગ્રેસે કબ્જે કર્યો હતો. પરંતુ આ વખતે ફરી ભાજપે વિજેતા બનીને પાછો મેળવી લીધો છે.
ક્યાં-ક્યાં ભાજપનાં ગઢ તૂટયા બેઠક કેટલા વર્ષે ગાબડું
કાલાવડ ૩૨ વર્ષ
ટંકારા ૨૭ વર્ષ
મોરબી ૨૨ વર્ષ
ખંભાળિયા ૨૨ વર્ષ
કોડીનાર ૨૨ વર્ષ
તળાજા ૨૨ વર્ષ
જૂનાગઢ ૧૯ વર્ષ
સા.કુંડલા ૧૯ વર્ષ
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/congress-in-saurashtra-gets-two-three-year-old-stronghold-in-saurashtra