કૉંગ્રેસ સત્તામાં આવશે તો પેટ્રોલ-ડીઝલ ઉપર વૅટ નાબૂદ કરાશે
અમદાવાદ: ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટમાં માત્ર ૪ ટકાનો ઘટાડો કરી ભાજપ સરકારે રાજ્યનાં દરેક વર્ગનાં નાગરિકોની ક્રૂર મશ્કરી કરી હોવાનું જણાવતાં કૉંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જાહેરાત કરી હતી કે, કૉંગ્રેસ સત્તા ઉપર આવશે તો પેટ્રોલ-ડીઝલ ઉપરથી વૅટ સંપૂર્ણપણે નાબૂદ કરશે. ગુજરાત પ્રદેશ કૉંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આગામી ચૂંટણીમાં પરાજય નિશ્ર્ચિત જણાતાં પ્રજાને ગુમરાહ કરતી લ્હાણી શરૂ કરી છે. ભાજપ સરકારે પેટ્રોલમાં રૂ. ૨.૯૩ તથા ડીઝલમાં રૂ. ૨.૭૨ પૈસાનાં કરેલા ઘટાડાને દિવાળીની ભેટ કહી સમગ્ર રાજ્યનાં લોકોની ક્રૂર મશ્કરી કરી છે. વાસ્તવમાં કુલ ૪૫ ટકા ટેક્સમાંથી માત્ર ૪ ટકા વેટ ઘટાડો એ લોલીપોપ જ છે. એ જ રીતે પેટ્રોલ-ડીઝલમાં ૪ ટકા વૅટ ઘટાડવાથી સરકારની ૨૩૧૬ કરોડ આવક ઘટવાની વાત પણ મગરનાં આસું સારવા જેવી વાત છે. પેટ્રોલ-ડીઝલ તથા સીએનજી અને અન્ય ઈંધણ ઉપર અસહ્ય ટેક્સ ઠોકી બેસાડીને ભાજપ સરકારે ઉઘાડી લૂંટ જ ચલાવી છે. જેમાં આ ટેક્સની કરોડો રૂપિયાની આવકમાંથી જ ભાજપ સરકાર દ્વારા ઉત્સવ મેળાઓ અને અન્ય ઉજવણીના તાયફાઓ કરવામાં આવે છે. જીએસટીનો પેટ્રોલ-ડીઝલ ઉપર અમલ નહીં કરનાર ભાજપ સરકારે ગુજરાતમાં જીએસટી લાગુ થયો ત્યારથી જ વૅટ કેમ ના ઘટાડ્યો? ભાજપ પ્રજાને બે-ત્રણ રૂપિયાની લોલીપોપ આપી વિકાસને ગુમરાહ કરવા માગે છે, પરંતુ નવસર્જન માટે મન બનાવી લેનાર ગુજરાતની પ્રજા હવે છેતરાશે નહીં. જેમાં કૉંગ્રેસ સત્તા ઉપર આવશે તો પેટ્રોલ-ડીઝલ ઉપરથી વેટ સંપૂર્ણ નાબૂદ કરી મોંઘવારી અને ભાવ વધારો કાબૂમાં લેવાનું પ્રથમ પગલું ભરશે.
ભાજપમાં મહિલાઓના અવાજને દબાવી દેવામાં આવે છે: રાહુલ ગાંધી
વડોદરા: ભાજપ મહિલા સશક્તિીકરણની વાતો કરે છે, પરંતુ ભાજપમાં જ મહિલાઓના અવાજને દબાવી દેવામાં આવે છે. તેમ જ મહિલાઓના અધિકારોમાં તેમને રસ નથી. તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. વડોદરા ખાતે રાહુલ ગાંધીએ યુવાઓ સાથે સંવાદ કરતા જણાવ્યુ હતું કે, દેશમાં નોકરી ઊભી કરવાનો મુખ્ય પ્રશ્ર્ન છે, પરંતુ તેના વિશે કોઇ વાત કરતું નથી. દર ૨૪ કલાકમાં દેશમાં ૩૦ હજાર નવા યુવાનો નોકરી શોધવા માટે નીકળે છે. તેમાંથી માત્ર ૪૫૦ યુવાનોને જ નોકરી મળે છે. જેની સામે ચીનમાં દરરોજ ૫૦ હજાર લોકોને રોજગાર મળે છે. તમારા મોબાઇલમાં પણ મેડ ઇન ચાઇના લખ્યું છે. તમે તેમની મદદ કરો છો. મોદીજીનું ફોક્સ નોકરી પર નથી. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ હતું કે, કૉંગ્રેસનું ફોક્સ મહિલાઓને મજબૂત બનાવવા માટે હશે. એક તરફ ભાજપ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે અને બીજી તરફ ભાજપમાં મહિલાઓના અવાજને દબાવી દેવામાં આવે છે.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=383271