બાળકોના ટપોટપ મોતની ઘટનામાં CM અને આરોગ્યમંત્રી રાજીનામું આપે : કોંગ્રેસ

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકોના ટપોટપ મોતની ઘટનામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનું રાજીનામું માગ્યું છે. બાળકોના મોતની ઘટનામાં સરકારના ઈશારે સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્ર તથા સરકારી આરોગ્ય તંત્ર દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ મામલે રાજનીતિ કરવા માગતું નથી. છેલ્લા એક વર્ષમાં બાળકોના મોત અંગે ડેથ ઓડિટ રિપોર્ટની કોંગ્રેસે માગ કરી છે. 0-1 વર્ષના બાળ મૃત્યુ દરમાં દર હજાર બાળકોએ 50 બાળકોના મોત સાથે ગુજરાત છેવાડાના 9મા નંબરે આવે.

સિવિલ હોસ્પિટલમાં 11 બાળકોના મોતની ઘટના અંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, તટસ્થ તપાસ કરી જવાબદારો સામે પગલાં ભરવા અને ફરી આવી ઘટના ના બને તેવી માગ કરી છે. તેમણે કહ્યું કે, આરોગ્યમંત્રી અને સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ કોઈ મોત થયા નથી તેવું જુઠ્ઠાણું ચલાવે તે કેટલે અંશે વાજબી છે? શું સરકારની આ સંવેદનશીલતા છે? મોતની ઘટના દુઃખદ છે. શહેર કોંગ્રેસે પણ સિવિલ તંત્રને આવેદનપત્ર આપી તપાસની માગ કરી છે.

Source: http://sandesh.com/congress-demands-resignation-of-cm-and-health-minister-og-gujarat/