ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રજાના મનની વાત સાંભળશે : રાહુલ ગાંધી
Nov 14, 2017
મહેસાણા, તા,૧૩
ઉત્તર ગુજરાતમા ત્રણ દિવસીય પ્રવાસના અંતિમ દિવસે વિસનગરમાં આજે કલાકો સુધી રાહ જોઈ રહેલ પ્રજાએ ખુલ્લી જીપમાં પહોંચેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.રોડની બન્ને તરફ રાહુલની એક ઝલક જોવા માટે હકડેઠઠ ભીડ જામી હતી.રાહુલે પણ તેઓનું ઉત્સાહભેર અભિવાદન કરીને ઠેરઠેર લોકો સાથે હસ્તધનુન કર્યું હતું.
રોડ શો દરમ્યાન વિસનગરમાં અનેક સ્થળોએ પાટીદાર યુવાનોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવીને વાતાવરણ ગજવી મુક્યું હતું.આ પ્રસંગે કાંસા રોડ પર યોજાયેલ નવસર્જન સભામાં રાહુલ ગાંધીએ પોતાની લાક્ષણિક મુદ્રામાં પ્રવચન કરતા જણાવ્યું હતું કે,દેશમાં મેઈડ ઈન ચાઈનાની પ્રોડક્ટ મળે છે ત્યારે કોંગ્રેસ મેઈડ ઈન ગુજરાત અને મેઈડ ઈન મહેસાણાની પ્રોડક્ટ વિશ્વના બજારોમાં જોવા માંગે છે.આ કામ નોટબંધી કે ગબ્બરસીંગ ટેક્ષથી થઈ શકે તેમ નથી પરંતુ,ગુજરાતના વેપારીઓ અને ખેડૂતોનો સદઉપયોગ થાય તો આ જરુર શક્ય બને તેમ છે.
ચાઈનામાં પ્રતિ કલાક ૫૦ હજાર બેરોજગારોને નોકરીની તકો મળે છે.જયારે એનડીએ સરકારમાં ભારતના બેરોજગારોને પ્રતિ ૨૪ કલાકમાં માત્ર ૪૫૦ને જનોકરી મળે છે.ભાજપ પોતાના જ મનની વાતો સંભળાવે છે,જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો લોકોના મનની વાતો સાંભળી તેમની સમસ્યાઓ ઉકેલે તેવી પ્રજાની સરકાર બનશે અને તે દિશામાં કાર્ય કરતી રહેશે.આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટા સંખ્યામાં હાજર રહ્યા હતા.
Source: http://www.gujarattoday.in/%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B8%E0%AA%B0%E0%AA%95/