જીએસટીના ઊંચા દરને મામલે સીબીઆઇ તપાસ કરાવો: કૉંગ્રેસ

પણજી: જીએસટી કાઉન્સિલ દ્વારા મુકરર કરવામાં આવેલા જીએસટીનાં ઊંચા દરને મામલે સીબીઆઈ તપાસ યોજવાની ગોવા કૉંગ્રેસે શનિવારે માગણી કરી હતી.

જીએસટી કાઉન્સિલે દેશની તિજોરીને રૂ.૨૦૦૦૦ કરોડનું કાલ્પનિક નુકસાન પહોંચાડ્યું હોવાનું ગોવા કૉંગ્રેસના વડા શાંતારામ નાઈકે કહ્યું હતું.

જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીના મુકરર કરવામાં આવેલા આરંભિક ઊંચા દર તેમ જ હવે લેવામાં આવેલા નિર્ણયને કારણે દેશની તિજોરીને થનારાં રૂ.૨૦૦૦૦ કરોડના કાલ્પનિક નુકસાનને મામલે સીબીઆઈએ આપમેળે તપાસ કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

દેશની તિજોરીને થનારાં આ નુકસાન માટે જવાબદાર લોકો વિરુદ્ધ સીબીઆઇએ ગુનાઇત કાર્યવાહી શરૂ કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

તેમણે ક્હયું હતું કે રૂ.૨૦૦૦૦ કરોડનું નુકસાન ભલે કાલ્પનિક હોય, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારને થનારું નુકસાન વાસ્તવિક છે.

ભૂતકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યુપીએ સરકારને નિશાન બનાવવા કાલ્પનિક નુકસાનનો જ આધાર લીધો હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે મોદીએ દેશને ખોટાં વચનો આપ્યા હતા અને અર્થતંત્રનું ખોટું ચિત્ર દેખાડ્યું હતું.

મોદી હવે તેમના મોટાભાગના નિર્ણયોને મામલે પીછેહઠ કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=385706