ભાજપના રાજમાં ઉદ્યોગપતિના દેવા માફ , ખેડૂતોના નહીં: રાહુલ ગાંધી

માંડવીઃ માંડવી સુપડી વિસ્તારની સભામાં નવસર્જન ગુજરાત યાત્રા દરમિયાન કોંગ્રેસી નેતાઓના ભાજપ પર ચાબકા માર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના કોંગી નેતાઓએ ભાજપને આડેહાથે લીધું હતું. ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સૌને આવકારતાં ઉમેર્યુ હતું કે સ્વ. ઈન્દિરા ગાંધી તથા સ્વ. રાજીવ ગાંધીને પુષ્કળ પ્રેમ આપ્યો હતો. અને હાલમાં રાહુલ ગાંધીને લોકે પ્રેમ આપી રહ્યાં છે.

22 વર્ષમાં ભાજપ સરકાર દરેક ક્ષેત્રમાં બિલકુલ નિષ્ફળ ગઈ
મળતી માહિતી અનુસાર કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જ્યારથી હું ગુજરાતનો પ્રવાસ કરું છું. ત્યારથી જોઉં છું સમાજના દરેક વર્ગનો ભાજપ પ્રત્યેનો ગુસ્સો બહાર આવી રહ્યો છે. આદિવાસી, ઓબીસી, દલીતો, પાટીદારો, ખેડૂતો, શિક્ષકો જેવા અનેક વર્ગો આંદોલન કરી રહ્યાં છે. ગરીબોની જમીન પડાવી નેનો પ્લાન્ટ નાંખવામાં આવ્યો. પરંતુ આજે રોડ પર નેનો કાર જ દેખાતી નથી. નોટ બંધી એ નેતાઓના કાળા નાણાંને સફેદ કરવાની યુક્તિ હતી. ભાજપ સરકાર ઉદ્યોગપતિના દેવા માફ કર્યા જ્યારે ખેડૂતોના દેવા માફ કરતી નથી. આમ 22 વર્ષમાં ભાજપ સરકાર દરેક ક્ષેત્રમાં બિલકુલ નિષ્ફળ ગઈ છે.

શિક્ષણ સંસ્થાઓ ઉદ્યોગ પતિઓને સોંપી દીધી છે
અશોક ગેહલોત, અર્જુન મોઢવાડિયા તથા ભારતસિંહ સોલંકી સહિતના નેતાઓએ જણાવ્યું હતું કે ભાજપ બે દાયકાથી જાણે બલીદાન આપ્યું હોય તેમ બણાગ ફુંકે છે. અને કોંગ્રેસ 60 વર્ષમાં શું કર્યું એમ પુછી ભ્રષ્ટ્રાચારના આરોપો મુકે છે. પરંતુ કોંગ્રેસે ગુજરાતમાં માત્ર 23 વર્ષ શાસન કર્યુ છે. અને તે સમયમાં પ્રાથમિક શાળા, કોલેજો, યુનિર્વસિટીઓ નિર્માણ પામી છે. જ્યારે ભાજપ 22 વર્ષથી રાજ કરે છે. આ સમયમાં શિક્ષણ સંસ્થાઓ ઉદ્યોગ પતિઓને સોંપી દીધી છે. કોંગ્રેસના રાજમાં એરપોટ , મેડિકલ કોલેજો જેવી ઉત્તમ સેવાઓ શરૂ કરવામાં આવી હતી.

Source: https://www.divyabhaskar.co.in/news/DGUJ-SUR-c-99-rahul-gandhi-public-meeting-at-madvi-navsarjan-gujarat-yatra-in-south-gujarat-NOR.html