ગુજરાતની પ્રજાનો ઝોક કોંગ્રેસ તરફી, ભાજપ રઘવાયુ થયું: ભરતસિંહ સોલંકી
Oct 31, 2017, 02:26 PM IST
વડોદરાઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજે વડોદરાની મુલાકાતે છે. જ્યાં તેઓએ સરદાર વલ્લભભાઇ પટેલને શ્રદ્ધાજંલિ અને સ્વ. ઇન્દિરા ગાંધીને સ્મરણાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 125થી વધુ બેઠક મેળવીને સરકાર બનાવશે. ગુજરાતની પ્રજાએ હવે કોંગ્રેસને સત્તા સોંપવાનું મન બનાવી લીધું છે. અને ગુજરાતની પ્રજાનો કોંગ્રેસ તરફી ઝોક જોઇને ભાજપ હવે રઘવાયું બન્યું છે.
સરદાર પટેલ અમારા છે, તેવો દેખાડો કરીને ભાજપ રાજકારણ રમે છેઃ ભરતસિંહ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે દેશને સરદાર વલ્લભભાઇ પટેલ અને સ્વ. ઇન્દિરા ગાંધી જેવા બે મહાન નેતા આપ્યા છે. આજે પણ કોંગ્રેસ તેમની વિચારધારાથી આગળ વધી રહી છે. જ્યારે ભાજપે એવા કોઇ નેતાની ભેટ આપી નથી. જેને દેશવાસીઓ યાદ કરતા હોય. સરદાર પટેલ અમારા છે. તેવો માત્ર દેખાડો કરીને ભાજપ રાજકારણ રમી રહ્યું છે.
હાર્દિક રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકેઃ ભરતસિંહ
પાટીદાર નેતા હાર્દિક પટેલ, ક્ષત્રિય સમાજના નેતા અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી જેવા નેતા ભાજપામાં જવા તૈયાર નથી. તેનું કારણ એ છે કે, ભાજપાના નેતા અમિત શાહને રિમોટ કંટ્રોલવાળા નેતા જોઇએ છે. જે આ યુવા નેતાઓને માન્ય નથી. તેમ જણાવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઉમેર્યું કે, હાર્દિક પટેલ સાથે વાટાઘાટો ચાલી રહ્યો છે. આગામી તા.1,2 અને 3 નવેમ્બરે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં આવી રહેલા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેઓની મુલાકાત થઇ શકે છે. તે બાદ કોંગ્રેસ તેનું સ્ટેન્ડ નક્કી કરશે.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-c-35-gujarat-congress-president-bharatsinh-solanki-visit-of-vadodra-NOR.html