રોબર્ટ વાડરા મુુદ્દે ભરતસિંહનો તીખો જવાબ, કેન્દ્રમાં સરકાર ભાજપની છે, આક્ષેપને બદલે પગલાં ભરો

October 17, 2017 | 11:09 pm IST

રાજ્યના મુખ્યમંત્રીએ રોબર્ટ વાડરા પર કરેલો આક્ષેપો બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે, અમિત શાહના પુત્ર જય શાહના કારનામા છુપાવવા માટે તેઓ વાડરા સામે આક્ષેપ કરે છે. કેન્દ્રમાં સરકાર ભાજપની છે, ઈન્કમ ટેક્સ અને સીબીઆઈ ભાજપ પાસે છે, તો પછી કેમ કોઈ પગલાં લેતાં નથી. આક્ષેપો પર આક્ષેપો કરવા ભાજપની આદત છે. નહેરુ પરિવાર સત્તા ભૂખ્યો છે એવી વાહિયાત વાતો ભાજપે બંધ કરવી જોઈએ. મુખ્યમંત્રીની આ સરકારમાં છેલ્લી દિવાળી છે. રૃપાણી પહેલાં ગુજરાતનો વહીવટ કરે, પછી બીજાનો.

તો બીજી તરફ પૂર્વ વિપક્ષી શક્તિસિંહ ગોહિલે એવી પ્રતિક્રિયા આપી હતી કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્રની હાલત ન બચાવી શકાય તેવી થઈ છે. બે જણાએ પ્રેસ કોન્ફરન્સ કરી એ વાંચીને કરી છે. સરકાર તમારી છે તો પ્રેસ કોન્ફરન્સ કેમ કરો છો, કાયદેસર જે થાય એ કરો. સત્ય એ છે કે કાયદેસર કંઈ થાય એમ નથી. તેમણે કહ્યું કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ આપેલો ચેક બાઉન્સ થાય અને વોરંટ નીકળે છે. જિતુ વાઘાણી પોતાનું ઘર સાચવે. જિતુ વાઘાણી સામે ગૌચરની જમીન પડાવવાના પણ આરોપો છે. કોંગ્રેસના નેતાઓ સામે જ્યારે આક્ષેપો થયા હતા ત્યારે કોંગ્રેસે તપાસ કરાવી હતી અને નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું હતું.

બોફોર્સ કાંડના સવાલ પર ભરતસિંહ છંછેડાયા, ફૂટેજ ડિલીટ કરવા દબાણ કર્યું
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને બોફોર્સ કાંડ વિશે સવાલ પૂછાયો ત્યારે તેઓ છંછેડાયા હતા, એટલું જ નહિ પરંતુ ઈલેક્ટ્રોનિક મીડિયાને ધમકાવી ફૂટેજ ડિલીટ કરવા માટે દબાણ કર્યું હતું. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો હતો.

Source: http://sandesh.com/bharatsinh-solanki-on-robert-vadra-saying-by-cm-rupani/