ભરતસિંહ સોલંકીના પીએમ પર પ્રહારો, સંમેલનમાં ૭૦ હજાર લોકો આવ્યા ને બતાવ્યા ૭ લાખ
October 16, 2017 | 11:21 pm IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બયાન સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને ચિઠ્ઠીના કારણે રાજીનામું આપવું પડયું હતું. આ કેસ અત્યારે કોર્ટમાં પેન્ડિંગ છે. મોદીમાં તાકાત હોય તો માધવસિંહ સોલંકીને જેલમાં પૂરી દે. બોફોર્સમાં રાજીવ ગાંધીને ક્લીનચિટ મળી હતી, કારગીલમાં એ તોપો જ કામમાં આવી હતી અને પછી વખણાઈ હતી.
કોંગ્રેસે મોરારજી દેસાઈ, સરદાર સાહેબનું હંમેશાં સન્માન કર્યું છે. સરદાર સાહેબ ૨૫ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. દીનદયાળ અને સાવરકર ભાજપમાં ચાલતા ના હોવાથી વડાપ્રધાનને કોંગ્રેસના નેતાઓ યાદ કરવા પડે છે. હવે ભાજપનું વહાણ ડૂબી જવાનું હોવાથી તેના નેતાઓ ભયભીત થયા છે, રઘવાયા થયા છે એટલે તેમને રાહુલ રાહુલ દેખાય છે.કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ભાજપના નેતાઓ કાર્યકરોને માર્ગદર્શન આપવાને બદલે કોંગ્રેસ સામે આરોપ લગાવે છે. કોંગ્રેસની સરકાર આવશે તો મૂડીપતિઓને ભાજપ સરકારે જે સંપત્તિ પધરાવી દીધી છે તેની તપાસ કરવામાં આવશે.
ભાજપ સરકારે સુજલામ સુફલામ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો છે, તેનો રિપોર્ટ ભાજપે જાહેર કરવો જોઈએ. ટાટા નેનોને ૩૩ હજાર કરોડની લોન અપાઈ છે, જીએસપીસીમાં પ્રજાના ૨૦ હજાર કરોડ ચવાઈ ગયા છે તેનો જવાબ આપવો જોઈએ. ગુજરાતમાં કોંગ્રેસની સરકારોએ મિલકત વસાવી પ્રજાને ભેટમાં ધરી હતી, જે આજે ભાજપે વેચી મારી છે. ગુજરાતની સંપત્તિ ગણ્યાગાંઠયા ઉદ્યોગપતિઓને પધરાવી દેવાઈ છે. કોંગ્રેસની સરકાર આવશે તો ઈન્કવાયર હાથ ધરવામાં આવશે. ભાજપના કાર્યક્રમમાં ૭૦ હજાર લોકો હતા, જેની સામે સાત લાખનો દાવો કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, હું ગુજરાતનો પુત્ર છું. ભાજપના નેતાઓ હવે ચૂંટણી સમયે લોભામણી જાહેરાતો કરીને પ્રજાને છેતરવા માગે છે.
Source: http://sandesh.com/bharatsinh-solanki-attacked-on-pm-modi/