મોદીને બરાડા પાડતાં જોઈ લાગ્યું કે વિકાસ ગાંડો થયો છે: ભરતસિંહ સોલંકી

Oct 17, 2017, 03:14 AM IST

ગાંધીનગર: વડાપ્રધાન મોદીએ ભાટની સભામાં કોંગ્રેસ પર કરેલા હુમલાનો જવાબ આપતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ એક પત્રકાર પરિષદમાં મોદી પર ચાબખાં મારતા જણાવ્યું કે, જે રીતે મોદી બૂમ બરાડા પાડી રહ્યા હતાં તેને જોતાં એ વાત સ્પષ્ટ થઈ છે કે વિકાસ ખરેખર ગાંડો થયો છે. મોદી પક્ષપલટુ પાર્ટીના વડાપ્રધાન હોય તેવું દેખાય છે. માંડ માંડ 70 હજાર લોકોને એકઠા કરીને સભામાં 7 લાખ લોકોની હાજરી હોવાની વાતો કરે છે. સોલંકીએ બોફોર્સ મામલે મોદીને પડકાર ફેંકતા કહ્યું કે, તાકાત હોય તો મારા પિતા માધવસિંહ સોલંકીને જેલમાં પૂરી બતાવે.

સભામાં 7 લાખને બદલે 70 હજાર લોકો આવ્યા
સોંલકીએ કહ્યું કે, વડાપ્રધાન એટલાં નિરાશ થઇ ગયા છે કે, તેમને ચારેબાજુ રાહુલ ગાંધી દેખાય છે. ભાજપનાં ડૂબતાં વહાણને બચાવવા થોડા વખત પછી દિલ્હીની કેબિનેટ ગાંધીનગરથી ચાલશે. વડાપ્રધાન રાહુલ ગાંધીને વારંવાર શાહજાદા કહે છે, પરંતુ અમિત શાહના પુત્ર જયએ 50 હજારમાંથી 80 કરોડ પેદા કર્યા છે, જે આખા દેશમાં બેનમૂન છે.

મોદીમાં તાકાત હોય તો તેમને પકડીને જેલમાં નાંખી દે
સોલંકીએ બોફોર્સ મામલે મોદીએ કરેલા પ્રહારનો જવાબ આપતા કહ્યું કે, બોફોર્સ કેસમાં રાજીવ ગાંધીને ક્લીન ચીટ મળી છે. મારા પિતા સામે ચિઠ્ઠી આપવાનો કેસ હજુ ચાલે છે. મોદીમાં તાકાત હોય તો તેમને પકડીને જેલમાં નાંખી દે. વિકાસવાદ વિરુદ્ધ વંશવાદની ચૂંટણીના પ્રશ્નનો જવાબ આપતાં સોંલકીએ જણાવ્યું કે, 1960માં ગુજરાત વિખૂટુ પડ્યાં પછી કોંગ્રેસે જ તેનું નિર્માણ કર્યું હતું.

Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-bharatsinh-solanki-attacked-on-pm-modi-in-press-conference-gujarati-news-5722777-PHO.html