અમિત શાહના પુત્રના કારનામાં છુપાવવા રૂપાણી કૉંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે: ભરતસિંહ સોલંકી
અમદાવાદ: રાજ્યના મુખ્ય પ્રધાન રબર સ્ટેમ્પ સી. એમ. છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના રિપોર્ટથી તેઓ ચાલે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અમિત શાહના પુત્ર જય શાહના કારનામાં છુપાવવા કૉંગ્રેસ ઉપર આક્ષેપ કરે છે, તેમ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
તેમણે ભાજપને એવો પણ પડકાર ફેંક્યો હતો કે, કેન્દ્ર અને રાજ્યમાં તમારી સરકાર છે તો પછી કેસ કરવામાં તેમને કોણ રોકે છે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રમાં કૉંગ્રેસની યુપીએ સરકારમાં બે વખત સોનિયા ગાંધીએ વડા પ્રધાન બનવાનો ઈનકાર કર્યો હતો. એટલું જ નહીં રાહુલ ગાંધીએ પણ યુપીએ શાસનમાં કેબિનેટ પ્રધાન બનવાનો ઈનકાર કર્યો હતો. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ પોતાનું બલિદાન આપીને દેશની એકતા જાળવી રાખી છે. ગુજરાતમાં વિજય રૂપાણી રબર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન છે. અમિત શાહ રિપોર્ટથી ગુજરાતમાં સરકાર ચલાવે છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહના કારનામા છુપાવવા માટે આક્ષેપ કરે છે. ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. તો પગલાં કેમ નથી લેતા.
ભાજપ મહિલા વિરોધી હોવાના આક્ષેપ સાથે તેમણે વધુમાં કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા વિનંતી કરી હતી, પરંતુ કેન્દ્રની મોદી સરકાર ૩૩ ટકા મહિલા અનામતનો અમલ કરતી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ વધારે મહિલાને ટિકિટની ફાળવણી કરવામાં આવશે. દરમિયાન કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે પણ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યમાં તમારી જ સરકાર છે અને ખોટા કેસ કરવા ભાજપા ટેવાયેલું છે તો પછી તેમને રોકે છે કોણ? આ માટે પ્રેસ કોન્ફરન્સ કરવાની જરૂર જ શું છે? ભાજપના બે જણે દિલ્હીથી આવેલી ચિઠ્ઠી વાંચી છે.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=383818