નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભા બેઠકના 6.09 લાખ મતદારમાંથી 30 હજાર મતદારો નકલી-શંકાસ્પદ : કોંગ્રેસનો આક્ષેપ
લોકશાહીમાં એક વ્યક્તિ એક વોટનો અધિકાર આપેલો છે, પરંતુ ગુજરાતમાં ‘એક વ્યક્તિ અનેક વોટ’ જોવા મળ્યા હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસે કરેલા નિરીક્ષણમાં ગુજરાતની મતદાર યાદીમાં અનેક ગોબાચારી જોવા મળી છે. નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં કુલ ૬,૦૯,૫૯૨ મતદારમાંથી ૪૦ ટકા એટલે કે ૨.૪૦ લાખ મતદારોની ચકાસણીમાં ૩૦ હજાર મતદારો(૧૨.૩ ટકા) નકલી, ખોટા અને શંકાસ્પદ હોવાનો દાવો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો છે. લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વોટચોરીને ખુલ્લી પાડી છે. હવે ગુજરાત કોંગ્રેસે પણ ભાજપનો અસલી ચેહરો દેશ સમક્ષ ખુલ્લો પડી રહ્યો હોવાનો દાવો કર્યો છે.
કોંગ્રેસ પ્રમુખ ચાવડાએ સવાલ કર્યો છે કે, નવસારીના ભાજપના નેતાની જીત પાછળ વોટચોરી તો નથી ને? અત્યારે તો કોંગ્રેસે માત્ર ચોર્યાસીની એક જ બેઠક પર ચકાસણી કરી છે.મતદાર યાદીમાં ગુજરાતી સિવાય બંગાળી, હિન્દી, પંજાબી સહિતની અન્ય ભાષાના નામ પણ મળ્યા છે. જો ચોર્યાસી વિધાનસભાની પેટર્ન સમગ્ર રાજ્યમાં લાગુ થઈ હોય તો રાજ્યમાં આશરે ૬૨ લાખ કરતા વધુ નકલી, ખોટા, શંકાસ્પદ મતદાર નીકળી શકે તેવો દાવો તેમણે કર્યો છે. કોંગ્રેસ પક્ષ ચૂપ રહેશે નહીં અને આગામી દિવસોમાં રાજ્યની તમામ ૧૮૨ વિધાનસભાની મતદાર યાદી ચકાસાશે.
Read more…