રાહુલ ગાંધી દિલ્હીમાં ફૂટપાથ પર બેસેલા મજૂરોને મળવા પહોંચ્યા, તેમની સ્થિતિ વિશે જાણકારી મેળવી
લોકડાઉન વચ્ચે પગપાળા ઘર તરફ જઇ રહેલા પ્રવાસી મજૂરોને લઇને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકાર પર નિશાન લગાવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી શનિવારે પ્રવાસી મજૂરોને મળવા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી દિલ્હીના સુખદેવ વિહાર ફ્લાઇઓવર પાસે ફૂટપાથ પર બેસેલા મજૂરોને મળ્યા હતા. ઘરે જવાની આશામાં આ મજૂરો અહીં ફૂટપાથ પર રહે છે. રાહુલ ગાંધીએ આ મજૂરોને મળીને તેમની મુશ્કેલી અને સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. લોકડાઉનના આ સમયમાં રાહુલ ગાંધી આ પ્રવાસી મજૂરોના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સરકારના અનેક નિર્ણયો પર સવાલ ઉઠાવ્યા છે.
રાહુલ ગાંધી ફૂટપાથ પર બેસીને પ્રાવસી મજૂરો સાથે વાત કરી રહ્યા છે. તેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ તસવીર કોંગ્રેસે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. તસવીર સાથે લખ્યું હતું કે લોકોની પીડા તે જ સમજી શકે છે, જેને તેમની કાળજી હોય છે. કોંગ્રેસે ભારતીય યુવા કોંગ્રેસ અને દિલ્હી પ્રદેશ કોંગ્રેસને આ પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવાનું કહ્યું છે.
રાહુલ ગાંધીએ લગભગ એક કલાક જેટલો સમય મજૂરો સાથે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન રાહુલ ગાંધે સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યુ હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ જે મજૂરો સાથે વાતચીત કરી તેમની પોલીસે અટકાયત કરી હતી. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે જણાવ્યું કે સરકારને ડર છે કે આ મજૂરો પોતાના વતન જઇને સરકારની નિષ્ફળતા વિશે જણાવી ના દે.