ભાજપ પંચાયતી રાજને નાબુદ કરી રહી છે : કોંગ્રેસ
ભાજપ સરકાર ધ્વારા પંચાયતી રાજને અપાયેલા સત્તાના અધિકારો છીનવી લેવા સાથે સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું હોવાથી કોંગ્રેસ ધ્વારા ગાંધીનગરમાં બે દિવસીય પંચાયતી રાજ શિબિર યોજી રાજ્ય સરકાર જનાદેશથી ચુટાયેલા પ્રતિનિધીઓને સ્વતંત્રતાથી કામ કરવા દે તે અંગે જુદા જુદા નિષ્ણાંતો મારફતે તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સંકલન કરી વિકાસના કામો ઝડપથી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, આ દેશમાં તમામ લોકો અસુરક્ષિત છે અને ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. પરંતુ એકમાત્ર વડાપ્રધાન જ સુરક્ષિત છે. આમ છતાં ચૂંટણી વખતે વડાપ્રધાનની સુરક્ષાને લઈને હોબાળો કરવામાં આવે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન સહિત દરેક વ્યક્તિને સુરક્ષા – સલામતી મળવી જોઈએ જ, પરંતુ માત્ર વોટ બેંક માટે વડાપ્રધાનની સુરક્ષાના પ્રશ્ને ખોટા દેખાડા ના કરવા જોઈએ.
કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ધ્વારા પંચાયતી રાજને આપવામાં આવેલા સત્તાના અધિકારો લઇ લેવા સાથે ભાજપ ધ્વારા પંચાયતી રાજ ખતમ કરવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર ધ્વારા અમલમાં મુકાયેલા બંધારણને બચાવવાનો આંજે પડકાર હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું કે, સંવિધાન બદલવા સાથે બહુમતીથી લોકશાહી ખતમ કરવામાં આવી રહી છે.
http://meranews.com/news/view/bjp-is-destroying-panchayati-raj-congress