કોંગ્રેસ જૂથવાદ નહીં બૂથવાદની નીતિ પર ચાલીને આગળ વધવા કટિબદ્ધ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદે અમિત ચાવડાએ બુધવારે વિધિવત્ રીતે ચાર્જ સંભાળ્યો હતો. કોંગ્રેસ ભવનની બહાર પટાંગણમાં યોજાયેલા પદગ્રહણ સમારોહમાં જોરદાર આતશબાજી વચ્ચે નવા પ્રમુખ અમિત ચાવડાનું પુષ્પગુચ્છ-તલવાર ભેટ આપીને સ્વાગત કરાયું હતું. કાર્યકરો-આગેવાનોની જંગી મેદનીને સંબોધતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ જૂથવાદ નહીં પરંતુ બૂથવાદની નીતિ પર ચાલીને આગળ વધશે, પરિશ્રમ કરીને આગામી ચૂંટણીઓમાં બૂથ જીતીને બતાવશે. તેમણે કહ્યું કે, મારી કામગીરીમાં ક્યાંક ભૂલ થતી હોય તો ધ્યાન દોરજો અને અજુગતું થાય તો માફ કરજો.

યુવા કાર્યકરને સુકાની તરીકેની જવાબદારી સોંપી તે બદલ રાહુલ ગાંધી અને કાર્યકરોનો આભાર માનતાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ચૂંટણીઓમાં સારા પરિણામ માટે પરિશ્રમની શરૂઆત આવતાં અઠવાડિયેથી કરીશું, લોકો વચ્ચે જઈશું અને તેમના સુખદુઃખમાં ભાગીદાર બનીશું. કોંગ્રેસના સિનિયર અને વડીલોનું માર્ગદર્શન મેળવીને આગળ ચાલીશું અને બૂથથી લઈ તાલુકા, જિલ્લા અને પછી પ્રદેશ સ્તરનું માળખું બનાવીશું. ટૂંક સમયમાં જ લોકો વચ્ચે જઈ સંગઠન ઊભું કરીશું અને તેમાં યુવા નેતાગીરીને સામેલ કરીશું. આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી, ૨૦૨૦માં કોર્પેરેશનોની ચૂંટણી હોય કે ૨૦૨૨માં વિધાનસભા ચૂંટણી હોય તમામમાં પરિશ્રમ થકી જીત હાંસલ કરીશું. આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં મેયર કોંગ્રેસ પક્ષના હશે. એક કાર્યકરને નેતા બનાવ્યો હોવાથી હવે નેતા અને કાર્યકર વચ્ચે દીવાલ ઊભી થવાનો પણ પ્રશ્ન નહીં રહે. હવે યુવા નેતાગીરીને પક્ષમાં સામેલ કરવા માટે રાહુલ ગાંધીના સંદેશને ઘર ઘર સુધી પહોંચાડવાનો છે.

http://sandesh.com/congress-groupism-no-booth/