કોંગ્રેસના નેતાઓ અંબાજીના દર્શન કરી ૧૨મીથી જિલ્લા પ્રવાસ કરશે
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખો, પ્રદેશના આગેવાનો, વિવિધ સેલના વડાઓ સાથે ગુરુવારે બેઠકોનો દોર જામ્યો હતો, બેઠકમાં પ્રભારી રાજીવ સાતવ, વિરોધ પક્ષના નેતા સહિતના આગેવાનો જોડાયા હતા જેમાં બે મહિનાના કાર્યક્રમો નક્કી કરાયા હતા. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી ૧૨મી એપ્રિલે બનાસકાંઠાના અંબાજી ખાતે મા અંબાના આશિર્વાદ મેળવી જિલ્લા પ્રવાસ કાર્યક્રમ શરૂ કરાશે. આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલશે જેમાં પ્રમુખ-વિપક્ષ નેતા અને અન્ય સિનિયર નેતાઓ તાલુકા-જિલ્લા સ્તરે કાર્યકરો-આગેવાનો સાથે સંવાદ યોજશે. રોજ બે જિલ્લાનો પ્રવાસ કરાશે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી નવું માળખું ન બને ત્યાં સુધી વર્તમાન આગેવાનોને જવાબદારી સોંપાઈ છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ સ્કૂલોમાં મોંઘીદાટ ફી, વીજળી બિલમાં વધારો, ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દે આંદોલન ચલાવશે. આરએસએસનો એજન્ડા અનામત નાબૂદ કરવાનો છે અને તેના ભાગરૂપે જ સુપ્રીમ કોર્ટમાં સરકારે ખોટી માહિતી આપી ને તેના કારણે જ એસસી-એસટી મામલે તાજેતરમાં ચુકાદો આવ્યો તેવું લાગે છે.
શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ માટે નબળા પરિણામ આવ્યા હતા, જેને ધ્યાને રાખી શહેરી માટે પ્રદેશ કક્ષાએ અલગ વિભાગની રચના કરવાનું નક્કી કરાયું છે. આ સંદર્ભે ૧૧મી એપ્રિલે મનપાઓના આગેવાનોને બોલાવી ચિંતન શિબિર યોજાશે.
મહિનામાં ૪૫ હજાર બૂથ પર બે-બે જનમિત્ર બનાવાશે
જનમિત્ર બૂથ ચલો અભિયાન ૧૫મી એપ્રિલથી શરૂ કરાશે, ૩ મહિનામાં ૪૫ હજાર બૂથ પર બે જનમિત્ર બનાવાશે, જેમાં એક પુરુષ અને એક મહિલા હશે.
http://sandesh.com/congress-leaders-ambaji/