દબાણને વશ થઇ નહીં, કાબેલિયત આધારે વિપક્ષી નેતા બનશે-ગેહલોત
અમદાવાદ, તા.4 જાન્યુઆરી 2018,ગુરૃવાર
એક તરફ, ભાજપ સરકાર ખાતાની વહેંચણી બાદ ધારાસભ્યો,સમર્થકો,સમાજના નામે થતાં રાજકીય દબાણનો સામનો કરી રહી છે,તો બીજી તરફ,કોંગ્રેસમાં કોળી,આદિવાસી,પાટીદાર વિપક્ષીનેતા પદ માટે ખેંચતાણ કરી રહ્યાં છે.
જોક,પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોતે સ્પષ્ટ શબ્દોમાં ધારાસભ્યોને કહી દીધું કે, કોંગ્રેસ સમાજના નામે રાજકીય દબાણથી વશ થશે નહીં, કાબેલિયત આધારે કોંગ્રેસ વિપક્ષીનેતાની પસંદગી કરશે.
છેલ્લા બે દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ખાતે વિપક્ષીનેતાની પસંદગી માટે મેરેથોન બેઠક ચાલી હતી. પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અને જીતેન્દ્રસિંહે ધારાસભ્યોને વ્યક્તિગત રીતે મળીને મત જાણ્યો હતો.
જોકે,ગેરહાજરીને કારણે ત્રણ ધારાસભ્યોના મત જાણી શકાયાં નથી. પાટીદાર ધારાસભ્યોએ પરેશ ધાનાણીને વિપક્ષીનેતા બનાવવા રજૂઆત કરી હતી.તેમનુ કહેવુ હતું કે,રાજ્યમાં આ વખતે પાટીદારો કોંગ્રેસેને ખૂબ જ મદદ કરી છે જેના લીધે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકી છે.
નિરીક્ષકો સમક્ષ એવી પણ રજૂઆત થઇ કે,આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીને પગલે આદિવાસી મતબેન્કને વધુ મજબૂત કરવા આદિવાસી ધારાસભ્યને વિપક્ષીનેતા બનાવવા જોઇએ. કેટલાંક ધારાસભ્યોનુ એવુ પણ કહેવુ હતુંકે,ત્રણ-પાંચ ટર્મથી ચૂંટાનારા સિનિયર ધારાસભ્યોને તક આપવી જોઇએ જેથી ગૃહના અનુભવનો લાભ મળી શકે.બુધવારે કુંવરજી બાવળિયા અને વિક્રમ માડમે વિપક્ષીનેતા માટેનો દાવો કર્યો હતો.
બેઠકના અંતે પ્રભારી અશોક ગેહલોતે વિપક્ષીનેતા પદ માટે કોંગ્રેસના વલણ અંગે સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ કોઇપણ દબાણને વશ થશે નહીં,હાર્દિક પટેલની ચિમકીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યુંકે,કોંગ્રેસ સમાજના નામે થતા રાજકીય દબાણને આધારે નહીં,અનુભવ અને કાબેલિયત આધારે વિપક્ષીનેતાની પસંદગી કરશે. ગેહલોત-જીતેન્દ્રસિંહ મોડી સાંજે દિલ્હી પહોંચી હાઇકમાન્ડને રિપોર્ટ સોંપશે.
સૂત્રો કહેછેકે, શુક્રવાર અથવા શનિવારે મોડી સાંજ સુધીમાં દિલ્હીથી વિધાનસભા વિપક્ષના નેતાનું નામ જાહેર થશે. ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસના ધારાસભ્યોને વિપક્ષનેતા બનવામાં જ રસ છે,દંડક કે ઉપનેતા બનવામાં કોઇએ રસ દાખવ્યો નથી.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/gehlot-will-become-opposition-leader-on-the-basis-of-eloquence-gehlot