ભાજપ રાજકીય લાભો માટે જૂઠની ‘માયાજાળ’ ફેલાવે છે : રાહુલ ગાંધી
નવી દિલ્હી, તા.28 ડીસેમ્બર, 2017, ગુરૂવાર
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ભાજપ પર દેશના બંધારણ પર હુમલો કરવાનો અને રાજકીય લાભ માટે જૂઠનો સહારો લેવાનો આક્ષેપ કરી ઉમેર્યું હતું કે કોંગ્રેસ સત્યને કેન્દ્રમાં રાખે છે. કોંગ્રેસના ૧૩૩મા સ્થાપના દિને યોજાયેલા કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભાજપ અસત્યની માયાજાળ ગુંથે છે.
કોંગ્રેસ ભલે ચૂંટણી હારી જાય પણ સત્યનો સામનો કરે. આ માસમાં અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધીએ અકબર રોડ પર આવેલા કોંગ્રેસના હેડક્વાર્ટરમાં કોંગ્રેસનો ધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને અન્ય વર્કિંગ કમિટીના નેતાઓ હાજર હતા.રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી હેગડેના બંધારણ બદલવાના નિવેદનની ભારે ટીકા કરીને જણાવ્યું હતું કે, ભારતને બંધારણ મળ્યું તે ઐતિહાસિક સમય હતો. હવે બંધારણ પર હુમલા થઈ રહ્યા છે આંબેડકરે આપેલી આ ભેટ આજે જોખમમાં છે.
ભાજપ પર વધુ પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતુંકે, ભાજપ જૂઠાણાં ફેલાવી છેતરામણી માયાજાળ રચે છે અને રાજકીય લાભ લેવા અસત્યનો સહારો કામ લાગે છે તેમ સાબિત કરે છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ જ તફાવત છે.કોંગ્રેસ ભલે હારી જાય, નુકસાન ભોગવે પણ સત્યનો સહારો નહિ છોડે. તેમણે કોંગ્રેસના ઇતિહાસનું વર્ણન કરીને જણાવ્યું હતુ કે, કોંગ્રેસ ૧૦૦ વર્ષથી દેશની સેવા કરે છે અને તેની મુખ્ય વિચારધારા સત્ય છે. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ બાળકોને મિઠાઈ વહેચી હતી અને જણાવ્યું હતું કે કોંગ્રેસે ઘણી સિદ્ધિ હાંસલ કરી છે.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/bjp-spreads-lies-lies-for-political-gains-rahul-gandhi