રાજકીય લાભ માટે ભાજપ જૂઠાણું ફેલાવે છે, કૉંગ્રેસ સત્યને વળગી રહે છે: રાહુલ
નવી દિલ્હી: દેશના બંધારણ પર હુમલો કરવાનો અને રાજકીય લાભ માટે જૂઠાણાં ફેલાવવાનો ભાજપ પર આક્ષેપ કરતા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારો પક્ષ સત્યને વળગી રહે છે.
કૉંગ્રેસના ૧૩૩મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સભાને સંબોધતા રાહુલ ગાંધીએ એમ કહીને ભાજપ પર પ્રહાર કર્યા હતા કે ભાજપ કપટ અને છેતરપિંડીનું જાળું બિછાવી રહ્યો છે.
રાહુલે કહ્યું હતું કે અમને ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડશે તો પણ અમારો પત્ર સત્યને વળગી રહેશે અને તેને બચાવવાનો પ્રયાસ કરશે.
આ મહિનાના આરંભમાં કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા રાહુલે અકબર રોડસ્થિત કૉંગ્રેસના વડામથકે પ્રથમ જ વખત કૉંગ્રેસનો ધ્વજ લહેરાવ્યો હતો.
ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ તેમ જ કૉંગ્રેસની કાર્યકારી સમિતિના સભ્યોએ પણ આ સમારોહમાં હાજરી આપી હતી.
બંધારણમાં સુધારા કરવાને લગતા કેન્દ્રના પ્રધાન અનંતકુમાર હેગડેના નિવેદનનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે દેશને બંધારણ મળ્યું તે દેશના ઈતિહાસની સૌથી મહત્ત્વની ક્ષણ હતી. હવે દેશના બંધારણ પર જ ભાજપ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે, એમ રાહુલે કહ્યું હતું.
ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા આપણને આપવામાં આવેલા દેશના પાયાસમાન બંધારણ પર આજે હુમલો કરવામાં આવી રહ્યો છે તે જોઈને માનસિક પીડા અને સંતાપ થાય છે, એમ તેમણે કહ્યું હતું.
ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા જાહેરમાં નિવેદન કરવામાં આવે છે અને પાછળથી બંધારણ પર હુમલો કરવામાં આવે છે એમ જણાવતાં રાહુલે કહ્યું હતું કે બંધારણ, દરેક વ્યક્તિના અધિકારો અને અભિપ્રાયોનું રક્ષણ કરવું એ કૉંગ્રેસની સાથે સાથે દેશના દરેક નાગરિકની ફરજ છે.
ભાજપ રાજકીય લાભ ખાટવા દેશભરમાં જુઠાણાં ફેલાવી રહ્યો છે તેમ જ કપટ અને છેતરપિંડીનું જાળું ગૂંથી રહ્યો છે એવો આક્ષેપ કરતા રાહુલે કહ્યું હતું કે ભારતી ય જનતા પક્ષ એ પાયાના સિદ્ધાંત પર જ કામ કરી રહ્યો છે કે જુઠાણાં ફેલાવીને રાજકીય લાભ મેળવી શકાય છે.
કૉંગ્રેસ અને ભાજપ વચ્ચે આ જ મુખ્ય અને મહત્ત્વનો તફાવત છે, એમ તેમણે કહ્યું હતું.
અમે સહન કરીશું, કદાચ અમે સારું કામ નહીં કરી શકીએ અને કદાચ અમે ચૂંટણીમાં હારી પણ જઈએ, પરંતુ અમે સત્યનો સાથ નહીં છોડીએ. અમે સત્યની રક્ષા કરીશું, એમ તેમણે કહ્યું હતું.
કૉંગ્રેસ પક્ષ દેશના હિતમાં એક સદી કરતા પણ વધુ સમયથી કામ કરી રહ્યો છે એમ જણાવી રાહુલે પક્ષના ભવ્ય ઈતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો.
કૉંગ્રેસનો મુખ્ય વિચાર સત્ય છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે સત્ય સાથે કામ કરીએ છીએ અને સત્યની રક્ષા માટે લડીએ છીએ.
આ પ્રસંગે બાળકોમાં મીઠાઈ વહેંચનાર રાહુલે કહ્યું હતું કે કૉંગ્રેસની યશકલગીમાં સિદ્ધિનાં અનેક પીછાં છે અને આ તમામ તેણે દેશવાસીઓની મદદથી અને તેમની સાથે મળીને મેળવ્યા છે.
દેશને આઝાદી અપાવવામાં કૉંગ્રેસ સંયુક્ત રીતે જવાબદાર હોવાનું તેમણે કહ્યું હતું.
Source: http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=399482