શિક્ષક દિને અપાયેલા મેડલની ખરીદીના કામમાં શિક્ષણ સમિતિ પૈસા ખાઇ
સુરત, તા.27 ડિસેમ્બર 2017,બુધવાર
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં શિક્ષક દિનના મેડલ ખરીદીમાં ભાજપ શાસકો પૈસા ખાઇ ગયાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. એક જ એજન્સીએ જુદા જુદા ભાવ વધારીને શાસકોએ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યએ શિક્ષક દિવસની ઉજવણીમાં શિક્ષકોને ૨૦ ગ્રામ ચાંદીના ૧૧૫ મેડલ અને ૩૦૦ ગ્રામ ચાંદીના સોનાનો ઢોળ ચઢાવેલ ૩૦ મેડલ આપવામાં આવ્યા છે. આ મેડલ ખરીદી માટે ટેન્ડર બહાર પાડવાના બદલે શાસકોએ મળતીયા પાસે ભાવ મંગાવ્યા હતા, ત્રણ એજન્સીના ભાવ આવ્યા તેમાંથી બે એજન્સીના એડ્રેસ અને ફોન નંબર એકસરખા હતા.
સમિતિને બે ભાવ આપનારી બાલાજી આર્ટ પાસે જ મેડલની ખરીદી કરવામાં આવી હતી. મેડલની ખરીદી થઇ ત્યારે ચાંદીનો ભાવ ૩૭,૫૦૦ રૃપિયા કિલો હતો પણ ૨૦ ગ્રામનો મેડલ ૧૭૩૦ રૃપિયા અને ૩૦ ગ્રામના મેડલ ૨૨૬૦ રૃપિયામાં ખરીદી શાસકોએ મોટું કૌભાંડ કર્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.
આવી જ રીતે ગણિત વિજ્ઞાાન પ્રદરશન માટે ટ્રોફી ખરીદવામાં આવી. તેમાં પણ શાસકોએ કૌભાંડ કર્યાનો આક્ષેપ કરાયો છે. ટ્રોફીની ખરીદી માટે કોઇ પ્રકારના ટેન્ડર બહાર પાડવા કે જાહેરાત આપવાના બદલે બે લાખની ખરીદીની મર્યાદાના નામે એજન્સી પાસે ભાવ મંગાવ્યા હતા. તેમાં પણ કેટલા નંગ ટ્રોફી કોને આપવાની તેની કોઇપણ વિગત વિના સીધા ૧.૪૯ લાખની ટ્રોફી ખરીદવાનો નિર્ણય કરાયો હતો.
આ ઉપરાંત સમિતિ દ્વારા જે ખરીદી થાય છે તે ટેન્ડર માટેની ફાઇલમાં કોઇ નક્કર માહિતી ન બતાવીને કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આચારસંહિતા બાદની પહેલી સામાન્ય સભામાં કોંગ્રેસ આક્રમક બન્યું હતું. કોંગ્રેસ હાવી થાય તેવા મુદ્દા પર કોંગ્રેસે મૌખિક વિરોધ કર્યો પણ લેખિત વિરોધ કરવાનું ભૂલી ગઇ હતી.
Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/surat/the-education-committee-ate-money-in-the-work-of-purchasing-medals-awarded-to-teacher-dina