પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન પર કૉંગ્રેસે મોદી પર કર્યા પ્રહારો

December 24, 2017 | 9:41 am IST

LoC પર પાકિસ્તાન તરફથી થઇ રહેલ સતત ગોળીબાર અને જવાનોની શહીદી પર કૉંગ્રેસે ભાજપા પર નિશાન સાંધ્યું છે. કૉંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ રવિવારના રોજ સવારે ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા. સુરજેવાલાએ કહ્યું કે પાકિસ્તાન પોતાની હરકતોમાંથી બાજ આવી રહ્યું નથી. આખરે કયાં સુધી ‘સાહેબ’ (નરેન્દ્ર મોદી) શબ્દોના આડંબરનો રાગ આલપશે?

સુરજેવાલાએ આંકડા મૂકતા કહ્યું કે મે 2014થી 2314 વખત એલઓસી પર સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. તેમાં 274 સૈનિક શહીદ થયા છે અને 134 નાગરિક મોતને ભેટ્યા છે.

આપને જણાવી દઇએ કે શનિવારના રોજ જમ્મુ-કાશ્મીરમાં કેરી વિસ્તારને અડીને આવેલ LoC પર પાકિસ્તાની સેનાએ ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કરી ગોળીબાર કર્યો. પાકિસ્તાનની તરફથી કરાયેલ નાપાક ગોળીબારમાં ભારતીય સેનાના એક મેજર અને ત્રણ જવાન શહીદ થઇ ગયા.

ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું કે પાકિસ્તાનની સેનાએ રાજૌરીના કેરીમાં LoC પર ફરી એકવખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઉશ્કેરણી વગર ગોળીબાર કર્યો છે, જેમાં ભારતીય સેનાના એક મેજર સહિત ત્રણ સુરક્ષાકર્મીઓ શહીદ થયા.

આ સિવાય એક ઘાયલ સૈન્યકર્મીને હોસ્પિટલમાં દાખલ કરાયા. જ્યાં તેમનું મૃત્યુ થયું. શહીદ થનાર તમામ સૈન્યકર્મી 120 ઇન્ફેંટ્રી બ્રિગેડ બટાલિયનમાંથી હતા. શહીદ થયેલ સૈન્યકર્મીઓની ઓળખ મેજર મોહરકર પ્રફુલ્લા અમ્બાદાસ, લાંસ નાયક ગુરમૈલ સિંહ અને સિપાહી પરગટ સિંહ તરીકે થઇ છે. તાજેતરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.

પાકિસ્તાને આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી પર 725થી વધુ વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. સીઝફાયર તોડવાની આ ઘટના છેલ્લાં સાત વર્ષમાં સૌથી વધુ છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડાઓ મુજબ પાકિસ્તાની સુરક્ષાબળોએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસીની પાસે 725 વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે, જ્યારે 2016મા આ સંખ્યા 449 હતી.

Source: http://sandesh.com/congress-attack-on-pm-modi/