રાહુલ ગાંધી આજે અમદાવાદમાં કાર્યકર્તાઓને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન આપશે

અમદાવાદ, તા. 22 ડિેસેમ્બર 2017, શુક્રવાર

કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના ચાર દિવસ બાદ શનિવારે એક દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવવાના છે. આવતીકાલે તેઓ કોંગ્રેસના વિવિધ ઝોનના નેતાઓ સાથે બેઠક કરી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો તાગ મેળવશે અને સાંજે કાર્યકર્તાઓને આગામી રણનીતિ માટે માર્ગદર્શન આપશે. આ ઉપરાંત રાહુલ ગાંધી આવતીકાલે જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના પણ દર્શન માટે જશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષપદે વરણી થયા બાદ રાહુલ ગાંધીનો આ સૌપ્રથમ ગુજરાતપ્રવાસ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો આ વખતે સતત છઠ્ઠી વખત પરાજય થયો હતો. રાહુલ ગાંધી શનિવારે સવારે ૯:૩૦ વાગે કેશોદ એરપોર્ટ ખાતે આગમન કરશે અને જ્યાંથી તેઓ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે જશે. અગાઉના કાર્યક્રમ અનુસાર રાહુલ ગાંધી ફક્ત અમદાવાદ જ આવવાના હતા. પરંતુ બપોરે તેમના સોમનાથ મહાદેવના દર્શને પણ જવાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. રાહુલ ગાંધી અગાઉ ચૂંટણીના પ્રચાર વખતે સોમનાથ મહાદેવના દર્શને આવ્યા ત્યારે તેમણે મંદિરના રજીસ્ટરમાં નોનહિંદુ તરીકે પોતાની નોંધણી કરાવતા વિવાદ સર્જાયો હતો. સોમનાથથી હેલિકોપ્ટર દ્વારા તેઓ બપોરે ૧૨:૫૦ વાગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે.

રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા જ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ પહોંચશે જ્યાં તેઓ બપોરે ૧:૧૫થી સાંજે ૫:૧૫ સુધી ઉત્તર-મધ્ય-કચ્છ-સૌરાષ્ટ્ર-દક્ષિણ ઝોનના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠકનો મુખ્ય હેતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પોસ્ટમોર્ટમનો છે. રાહુલ ગાંધી સાંજે ૫:૧૫ વાગે યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં જ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને સંબોધવાના છે. જેમાં તેઓ કાર્યકર્તાઓને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારીનો અત્યારથી પ્રારંભ કરી દેવા અને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન આપશે.

આવતીકાલે રાહુલ ગાંધી નવા ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ ચૂંટણીમાં પરાજય પામનારા કોંગ્રેસના ઉમેદવારો, ગુજરાત કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક કરવાના છે. અગાઉ મહેસાણા ખાતે ૨૦-૨૧ ડિસેમ્બરના ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિર પણ યોજવામાં આવી હતી. આ શિબિરમાં થયેલી ચર્ચાઓ અંગેનો રિપોર્ટ પણ રાહુલ ગાંધી મેળવવાના છે.

રાહુલ ગાંધીનો શનિવારનો કાર્યક્રમ
સવારે ૯:૩૦ : કેશોદ એરપોર્ટ ખાતે આગમન.
સવારે ૧૦:૩૦ : સોમનાથ મંદિરમાં દર્શન.
બપોરે ૧૨:૫૦ : અમદાવાદ એરપોર્ટમાં આગમન.
બપોરે ૧:૧૫ : ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે બેઠક.
બપોરે ૨:૩૦ : મધ્ય ગુજરાતના નેતાઓ સાથે બેઠક.
બપોરે ૩:૧૫ : કચ્છ-સૌરાષ્ટ્રના નેતાઓ સાથે બેઠક.
બપોરે ૪:૦૦ : દક્ષિણ ગુજરાતના નેતાઓ સાથે બેઠક.
સાંજે ૫:૧૫ : યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં કાર્યકર્તાઓને સંબોધન.
સાંજે દિલ્હી જવા માટે રવાના.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/rahul-gandhi-will-guide-the-workers-in-ahmedabad-next-to-the-next-strategy