રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે, જીતેલા ઉમેદવારોને મળશે

December 23, 2017, 8:47 am

કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી આજે પહેલી વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સોમનાથ મંદિરની મુલાકાત લેશે.રાહુલ ગાંધી સવારે લગભગ 12 વાગ્યે દીવ એરપોર્ટ ખાતે આવી પહોંચશે. એરપોર્ટ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે.

આ દરમિયાન તેઓ કોંગ્રેસના વિજેતા ઉમેદવારો સાથે મુલાકાત કરશે. તેઓ બપોરે 2 વાગ્યે સૌરાષ્ટ્ર અને બપોરે 3 વાગ્યે દક્ષિણ ગુજરાતના કોંગ્રેસી નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવાના છે. રાહુલ ગાંધી સાંજે 4 વાગ્યે ગુજરાત યુનિવર્સિટી કન્વેશન હોલમાં કોંગ્રેસના તમામ કાર્યકરો અને નેતાઓને સંબોધીત કરશે.

રાહુલ ગાંધી ગુજરાતની ચૂંટણી હાર્યા પછી પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જો કે ચૂંટણી હાર્યા પછી પણ તેમણે ટ્વિટ કર્યું હતું કે, તેઓ હાર્યા નથી બલ્કે જીત્યા જ છે. ઉલ્લેખનીય છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 99 સીટો પર વિજય મેળવ્યો છે, તો કોંગ્રેસે 79 સીટો પર વિજય મેળવ્યો છે. જો કે કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપી છે. જેના કારણે ભાજપે પૂરી 100 સીટો પણ મેળવી નથી. જો કે ભાજપે દાવો તો 150+ નો કર્યો હતો.

આ વખતની ચૂંટણીમાં રાહુલ ગાંધી પણ ખૂબ સક્રિય જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીએ આ વખતે ગુજરાતમાં અનેક જગ્યાઓએ સભાઓ ગજવી હતી અને તેમની સભામાં મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.

Source: http://sambhaavnews.com/gujarat/rahul-gandhi-take-visit-gujarat-today-gujarat-election-2017/