વડનગર અને માણસામાં કોંગ્રેસના પંજા સામે કમળનો કચ્ચરઘાણ
December 20, 2017 | 11:15 pm IST
મહેસાણા જિલ્લાનું વડનગર શહેર એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન છે. આ શહેર ઊંઝા વિધાનસભામાં આવે છે અને ત્યાં ભાજપનો કારમો પરાજય થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગામ માણસામાં પણ ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડયો છે.
ઉત્તર ગુજરાતની કુલ ૫૩ બેઠકોમાં અમદાવાદની ૨૧ બેઠકોને બાદ કરતા વર્ષ ૨૦૧૨માં ૩૨માંથી ૧૬ બેઠકો ભાજપ પાસે હતી. પાંચ વર્ષ પછી આ ક્ષેત્રમાં ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપની બે બેઠકોનો ઘટાડો થયો છે. જેમાં સૌથી ચોંકવનારી બાબત તો એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગર શહેર અને તેની આસપાસનો ગ્રામ્ય જે વિધાનસભામાં આવે છે તે ઊંઝા મતક્ષેત્રમાં ભાજપની સ્થાપના બાદ પહેલીવાર ભાજપના ઉમેદવારનો કારમો પરાજય થયો છે. ઊંઝા બેઠક પરથી ભાજપના નારાયણભાઈ એલ.પટેલ વર્ષ ૧૯૯૫થી પ્રતિનિધિત્વ ધરાવતા હોવ છતાંયે આ ચૂંટણીમાં કોંગ્રેસના ડો.આશાબહેન પટેલે તેમને ૧૯,૫૨૯ મતે હરાવ્યા છે. મહેસાણા જિલ્લામાં કોંગ્રેસની આ સૌથી મોટી લિડ છે. કારણ કે વડનગર આસપાસના ૨૦ ગામોમાં ભાજપ કરતા કોંગ્રેસને ૭૯૮૩ મત વધુ મળ્યા છે. ભાજપના નેતાઓ ઊંઝા બેઠક પર નારાયણભાઈ પટેલને રિપિટ કર્યા એટલે હાર્યાનું કારણ આગળ ધરી રહ્યા છે. વડાપ્રધાનપદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી ચૂંટણી જાહેર થયા પહેલા જ વડનગર આવ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વર્ષમાં એકવખત નવરાત્રીમાં ચોક્કસપણે માણસા જાય છે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને આવેલા અમિત ચૌધરીને ભાજપે ટિકિટ આપી હતી. ચૌધરી સિટીંગ ધારાસભ્ય હોવા છતાંયે માણસામા ગ્રામ્ય વિસ્તારમાંથી કોંગ્રેસના સુરેશ પટેલને ૬૭૪ મતની લીડ મળી અને શહેરમાંથી ભાજપને માત્ર ૧૫૦ મત જ મળતા તેમની હાર થઈ છે. માણસા બેઠક પણ પક્ષપલ્ટું ઉમેદવારને કારણે ભાજપે ગુમાવી હોવાનું કહેવાય છે.
Source: http://sandesh.com/in-vadnagar-and-mansa-bjp-defeated-by-congress/