આજે મહેસાણામાં કોંગ્રેસની ચિંતન શિબિર: અંતિમ દિવસે રાહુલ ગાંધી હાજર રહેશે
Dec 20, 2017, 01:06 AM IST
મહેસાણા: રાજ્યમાં સરકાર બનાવવામાં નિષ્ફળ કોંગ્રેસ બુધવારથી ત્રણ દિવસ માટે મહેસાણા હાઇવે સ્થિત સેફ્રોની રિસોર્ટમાં યોજાનાર ચિંતન શિબિરમાં મનોમંથન કરશે. શિબિરમાં પ્રથમ દિવસે 17 જિલ્લાના પરિણામો અંગે પ્રભારી અને પ્રમુખ વન ટુ વન ચર્ચા કરશે. શિબિરના અંતિમ દિવસે 22મીએ કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજરી આપશે. તેમની અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી ગુજરાત મુલાકાત છે. બીજીબાજુ, તેમની સુરક્ષાને લઇ પોલીસની દોડધામ વધી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામો જાહેર થયાના ત્રીજા જ દિવસે કોંગ્રેસ મહેસાણાના સેફ્રોની રિસોર્ટમાં બેસીને પરાજયના લેખાંજોખાં કરશે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં 20 થી 21 અને 22 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ચિંતન શિબિરનો બુધવારે બપોરે 11 વાગ્યાથી આરંભ થશે. પ્રથમ દિવસે 11 વાગે મહેસાણા જિલ્લાના હોદ્દેદારો હાજર રહેશે.
જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ ઝાલાએ કહ્યું કે, ચૂંટાયેલા તમામ ધારાસભ્યો, તમામ જિલ્લાઓના તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રદેશ કારોબારી સભ્યો, વિપક્ષના નેતા, પ્રદેશ ડેલીગેટ, વિધાનસભાના નિરીક્ષકો અને આગામી 2014 લોકસભાના સંભવિત ઉમેદવારોને જિલ્લા મુજબ હાજર રહેવા સૂચના અપાઇ છે. આ શિબિરનું નેતૃત્વ અશોક ગેહલોત કરશે અને અંતિમ દિવસે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજર રહેનાર છે.
Source: https://www.divyabhaskar.co.in/news/UGUJ-MEH-OMC-LCL-today-congressional-camp-in-mehsana-on-the-last-day-rahul-gandhi-will-be-present-5773196-NOR.html