47 વર્ષના રાહુલ ગાંધી 132 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીના 49માં અધ્યક્ષ બન્યાં

December 16, 2017 | 8:32 am IST

રાહુલ ગાંધી આજે-શનિવારે વિધિવત રીતે કોંગ્રેસ પ્રમુખપદની ધૂંરા સંભાળી લીધી છે. ગઈકાલે-શુક્રવારે સોનિયા ગાંધીએ નિવૃતિની ઘોષણા કરી હતી. કોંગ્રેસે પ્રમુખપદે રાહુલ ગાંધીના રાજ્યાભિષેકની ઉજવણી માટે સમગ્ર દેશમાંથી કાર્યકરો દિલ્હી આવી પહોંચ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાતના એક દિવસ અગાઉ જ રાહુલ ગાંધી 132 વર્ષ જૂના પક્ષનો વારસો સંભાળી લીધો.

દિલ્હીના 24 અકબર રોડ ખાતેની કોંગ્રેસની ઓફિસે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે અને આ માટેની બધી જ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. દિલ્હીના ચાંદની ચોકથી આવેલા રસોઈયાઓ જલેબી અને લાડુ સહિત જાત જાતની મીઠાઈઓ બનાવી રહ્યાં છે. દિલ્હી યુથ કોંગ્રેસની ઓફિસે મીઠાઈઓ સાથે લોકગીતોની પણ તાડામાર તૈયારીઓ કરાઈ છે.

રાહુલ ગાંધીને 11 ડિસેમ્બરે કોંગ્રેસ પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. કોંગ્રેસના નેતા એમ. રામચંદ્રને આ અંગે વિધિવત ઘોષણા કરી હતી. પક્ષના પ્રમુખપદ માટે ફક્ત રાહુલ ગાંધીએ જ ઉમેદવારી પત્ર ભર્યું હતું.

શુક્રવારે સંસદના શિયાળુ સત્રના એક દિવસ અગાઉ સોનિયા ગાંધીને પ્રશ્ન કરાયો હતો કે રાહુલ ગાંધી પક્ષ પ્રમુખ બન્યા પછી તેઓ કેવી ભૂમિકા ભજવશે ? આનો જવાબ આપતાં તેમણે પાછલી હરોળે બેસવાના સંકેત આપ્યા હતાં અને કહ્યું હતું કે તેઓ નિવૃતિની ભૂમિકા ભજવશે. તેઓ આમ તો પક્ષપ્રમુખ હતા, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી લગભગ બધા જ મહત્વના નિર્ણયમાં રાહુલ મહત્વની ભૂમિકા ભજવતા હતાં.

સોનિયાના નિવૃતિના સંકેત વિશે પક્ષ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટર મારફતે સ્પષ્ટતા કરી હતી કે સોનિયા ગાંધી પ્રમુખપદેથી નિવૃત થઈ રહ્યા છે, પણ સક્રિય રાજકારણમાંથી નહીં. તેઓ બૌદ્ધિક અને દ્રઢ પ્રતિબદ્ધતા સાથે માર્ગદર્શન આપતાં રહેશે.

Source: http://sandesh.com/rahul-gandhi-to-become-congress-presidnet-today/