સોનિયા ગાંધીએ નિવૃત્તિની જાહેરાત કરી: આજથી રાહુલ કોંગ્રેસના અધ્યક્ષ

નવી દિલ્હી, તા. 15 ડીસેમ્બર, 2017, શુક્રવાર

રાહુલ ગાંધી ૧૬મી ડિસેમ્બરથી કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળે તેના એક જ દિવસ પહેલાં સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. સંસદ પરિસરમાં મીડિયાકર્મીઓેએ સોનિયા ગાંધીને સવાલ પૂછ્યો હતો કે, હવે કોંગ્રેસમાં તમારી ભૂમિકા શું રહેશે? આ મુદ્દે તેમણે કહ્યું હતું કે, મારી ભૂમિકા હવે નિવૃત્ત થવાની રહેશે. હું આરોગ્યના કારણસર જાહેર જીવનને તિલાંજલિ આપી રહી છું.

હજુ ગયા અઠવાડિયે જ સોનિયા ગાંધી ૭૧ વર્ષમાં પ્રવેશ્યા છે. સોનિયા ગાંધીએ ૧૩૧ વર્ષ જૂના કોંગ્રેસ પક્ષને સૌથી લાંબો સમય નેતૃત્વ પૂરું પાડયું છે. તેઓ વર્ષ ૧૯૯૮થી કોંગ્રેસનું સુકાન સંભાળતા હતા. થોડા વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, હું નિવૃત્તિકાળમાં પુસ્તકો વાંચીને આનંદ મેળવવા માંગુ છું. મારા પરિવાર સાથે વધુ સમય વીતાવવા માંગુ છું.

સોનિયા ગાંધીના આ નિવેદન પછીયે કોંગ્રેસના નેતાઓએ ભારપૂર્વક કહ્યું હતું કે, તેઓ રાજકીય કે જાહેર જીવનમાંથી નિવૃત્ત નહીં થાય. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ ફક્ત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું છે. તેઓ રાજકારણમાંથી નિવૃત્ત નથી થઈ રહ્યા. તેમના આશીર્વાદ, ડહાપણ અને કોંગ્રેસની વિચારધારા પ્રત્યેના સમર્પણભાવથી અમને માર્ગદર્શન મળતું જ રહેશે.

સોનિયા ગાંધીની નિવૃત્તિની જાહેરાત મુદ્દે રેણુકા ચૌધરીને સવાલ પૂછતા તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસીઓ સ્વીકારી નથી શકતા કે સોનિયા ગાંધી રાજકીય કે જાહેર જીવનને તિલાંજલિ આપી રહ્યા છે. દેશના સૌથી જૂના પક્ષને સાચી દિશામાં લઈ જવા તેઓ હંમેશા અમારી સાથે હશે એવું અમે માની રહ્યા છીએ. સોનિયા ગાંધીએ એવું કહ્યું હશે, પરંતુ તેમણે ક્યારેય સત્તા કે હોદ્દાની ઈચ્છા રાખી નથી.

વર્ષ ૧૯૯૮માં સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષા તરીકે બિરાજ્યા ત્યારે કોંગ્રેસમાં ભારે અરાજકતા હતી. એ ગાળામાં લોકસભામાં કોંગ્રેસના ૧૪૧ સભ્ય હતા. એટલું જ નહીં, કોંગ્રેસ મધ્ય પ્રદેશ, ઓડિશા, મિઝોરમ અને નાગાલેન્ડ એમ ફક્ત ચાર જ રાજ્યોમાં સરકાર ધરાવતી હતી. આ કારણસર જ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓના દબાણ પછી સોનિયા ગાંધીએ છ વર્ષના સુષુપ્તકાળ પછી કોંગ્રેસ અધ્યક્ષા તરીકેની જવાબદારી સંભાળી હતી.

વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસની સરકાર બની ત્યારે તેમણે વડાંપ્રધાનપદે બેસવાની પણ ના પાડી દીધી હતી. હવે ૪૭ વર્ષીય રાહુલ ગાંધી નહેરુ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય તરીકે કોંગ્રેસનું સુકાન સંભાળશે. જો ગુજરાત અને હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલ સાચા પડશે તો કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધીએ શરૃઆતથી જ પડકારોનો સામનો કરવો પડશે.

Source: http://gujaratsamachar.com/index.php/articles/display_article/national/sonia-gandhi-announces-retirement-rahul-congress-president-today