મોદી સી પ્લેનમાં ઊડવા માંગે તે સારી વાત, ગુજરાત માટે શું કર્યું? – રાહુલ
અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર રાહુલ ગાંધીએ મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી. ગુજરાત ચૂંટણીમાં ટેમ્પલ પોલિટિક્સ પર રાહુલે કહ્યું- હું ગુજરાતમાં જે પણ મંદિર ગયો, ત્યાંની જનતાના સારા ભવિષ્ય માટે કામના કરી છે. આ દરમિયાન તેઓએ મોદીની સ્પીચની ભાષા, જીએસટી, બેરોજગારી અને સી-પ્લેનથી અંબાજી મંદિર જવા પર નિશાન સાધ્યું. તેની પર રાહુલે કહ્યું- મોદી જો સી-પ્લેનમાં ઉડવા માંગે છે તો સારી વાત છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાતની જનતા માટે તેઓએ શું કર્યું? આ પહેલા તેઓએ શહેરના જગન્નાથ મંદિરમાં પૂજા કરી. રાહુલે આ સાથે 27 મંદિરમાં દર્શન કર્યા છે. મહત્વપૂર્ણ છે કે આજ ગુજરાત ચૂંટણી બીજા ફેઝના પ્રચારનો અંતિમ દિવસ છે. 14 ડિસેમ્બરે 93 બેઠકો માટે મતદાન થશે. 18 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
રાહુલ ગાંધીની સ્પીચની 7 મહત્વની વાતો:
રાહુલ ગાંધીની સ્પીચની 7 મહત્વની વાતો:
રાહુલ ગાંધીની સ્પીચની 7 મહત્વની વાતો:
1) ગુજરાતમાં એકતરફી વિકાસ
– રાહુલ ગાંધીએ કહ્યું, “વીતેલા 22 વર્ષોમાં મોદી અને વિજય રૂપાણીએ એકતરફી વિકાસ કર્યો છે. ફક્ત 10 લોકોનો જ વિકાસ કર્યો. નેનો માટે 33 હજાર કરોડ ક્યાં ગયા? બીજેપી આ ચૂંટણીમાં પોતાની પોઝિશન જાળવી શકી નથી. આ બાબત નરેન્દ્ર મોદીના છેલ્લાં ભાષણોમાં સ્પષ્ટ દેખાય છે. પીએમ કોંગ્રેસની વાત કરે છે અથવા તો પછી પોતાની વાત કરે છે.”
2) મંદિરમાં જવાની મનાઇ છે શું?
– રાહુલે કહ્યું, “અત્યાર સુધી હું ગુજરાતમાં જેટલા પણ મંદિરોમાં ગયો છું, ત્યાં ગુજરાતના સોનેરી ભવિષ્યની કામના કરી છે. મારા મંદિરોમાં જવાની વાતને મુદ્દો બનાવવામાં આવ્યો. કોઇને મંદિરોમાં જવાની મનાઇ છે?”
– “હું કેદારનાથ ગયો હતો. ત્યાં ઘણીવાર જતો હોઉ છું. આ બીજેપીવાળાઓની જ સ્ટોરી છે કે હું મંદિર નથી જતો. કેદારનાથ ગુજરાતમાં છે?”
3) GSTએ ગુજરાતના વેપારીઓને નુકસાન કર્યું
– રાહુલે કહ્યું, “ગબ્બર સિંહ ટેક્સે ગુજરાતના વેપારીઓને જબરદસ્ત નુકસાન કર્યું છે. ગુજરાતની એક ટીચરે મને રડતા-રડતા જણાવ્યું કે મોંઘવારી વધી પણ અમારો પગાર ના વધ્યો.”
4) કોંગ્રેસ ખેડૂતોના દેવાં માફ કરશે, યુવાનોને રોજગાર આપશે
– રાહુલ ગાંધીએ કહ્યું, “અમે યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોના દેવાં માફ કરીશું. અમે 3-4 મહિનામાં ગુજરાતની જનતાની વાત સાંભળી છે. અમે જે પણ કહીએ છે, તે કરીએ છીએ, પછી તે વળતર હોય, દેવાંમાફી હોય, શિક્ષણ હોય કે પચી ખેડૂતોને આપવામાં આવતી મિનિમમ સપોર્ટ પ્રાઇસ હોય.”
5) હું મોદી વિશે ખોટું ન બોલી શકું
– રાહુલે કહ્યું, “મોદીજી મારા વિશે ખોટી વાતો બોલે છે, પણ હું તેમના વિશે ખરાબ નહીં બોલું. ચૂંટણી નેરેટિવ્ઝ એટલે કે મુદ્દાઓ પર જીતવામાં આવે છે. મોદીજીએ એકવાર પણ પોતાના ભાષણોમાં ભ્રષ્ટાચાર (રાફેલ ડીલ)નો કોઇ ઉલ્લેખ નથી કર્યો. અમે તેમને પૂછ્યું કે જે ઉદ્યોગપતિની કંપનીએ ક્યારેય પ્લેન નથી બનાવ્યું, જેનાપર 45 હજાર કરોડનું દેવું છે, તેને ડીલ કેમ આપી?”
– “જે રીતે મણિશંકરજી મોદીજી વિશે બોલ્યા, મેં સ્પષ્ટ કરી દીધું કે મોદી દેશના પીએમ પણ છે. તેમના વિશે ખોટાં નિવેદનો નહીં ચાલે. અમે મણિશંકરને સસ્પેન્ડ કરી દીધા. મનમોહન પર પીએમનો જવાબ યોગ્ય નથી. તેમણે દેશ માટે ઘણું કામ કર્યું છે.”
6) મોદી સીપ્લેનમાં ઉડના માંગે છે તો સારી વાત છે
– રાહુલે કહ્યું- “મોદી સીપ્લેનમાં ઉડવા માંગે છે, તે સારી વાત છે, પરંતુ સવાલ છે કે ગુજરાતની જનતા માટે તેમણે શું કર્યું? ગુજરાતના 30 લાખ લોકો બેરોજગાર છે. તમે ગુજરાતની હોસ્પિટલોમાં ડોક્ટરોને તહેનાત કર્યા? તેના પર તેઓ શું કહે છે- હા કે ના.”
7) ગુજરાતમાં મને બહુ પ્રેમ મળ્યો
– રાહુલે ગાંધીએ કહ્યું, “છેલ્લા 3 મહિનામાં ગુજરાતે મને એટલો પ્રેમ આપ્યો છે કે હું જિંદગીભર નહીં ભૂલી શકું. જ્યાં ગયો ત્યાં લોકોએ મને ખાખરા, મગફળી અને મરચાંનું અથાણું ખવડાવ્યું. જ્યારે પણ મારી જરૂર હોય, ફક્ત તમારે બોલાવવાની જ જરૂર છે.”
– “હું કોંગ્રેસની કામ કરવાની આઇડિયોલોજી (વિચારધારા)ને દેશમાં ફેલાવવા માંગું છું. આ પ્રેમથી કરવા માંગું છું. મોદી મારા રાજકીય વિરોધી છે. મારા મોમાંથી તેમના માટે અપશબ્દ નહીં નીકળે.”
કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કર્યા ભગવાન જગન્નાથના દર્શન
રાહુલ ગાંધીએ સોમવારે વિરમગામ અને ગાંધીનગરમાં સભા સંબોધી હતી. ત્યારબાદ અમદાવાદમાં રાતવાસો કર્યો હતો. કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ તેમણે સૌ પહેલા ભગવાન જગન્નાથનું શરણું લીધું હતું. આજે તેઓ જમાલપુર સ્થિત જગન્નાથના દર્શને પહોંચ્યા હતા. અહીં રાહુલે ભગવાન જગન્નાથના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાહુલ ગુજરાત ચૂંટણીની શરૂઆત દ્વારકાધીશના દર્શન કરીને કરી હતી. આજે પણ ભગવાન વિષ્ણુ રૂપ એવા જગન્નાથના દર્શન કરીને રાહુલે ગુજરાત ચૂંટણી પ્રચારને જારી રાખ્યો છે. આજે સાંજે ચૂંટણી પ્રચારના પડખમ શાંત થશે ત્યારે રાહુલ છેલ્લી ઘડીએ એડીચોડીનું જોર લગાવશે. એ પહેલા કોંગ્રેસને વિજયી બનાવવા માટે રાહુલે ભગવાન જગન્નાથના દર્શન કરીને જીતની કામના કરી હતી.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-congress-president-rahul-gandhi-taken-darshan-of-lord-jagannath-NOR.html?ref=hf