પાટીદાર અને દલિત સમાજ પર દમન ગુજારનાર ભાજપ સરકારને પ્રજા માફ નહીં કરે: સી. જે. ચાવડા
ગુજરાત રાજ્યમાં છેલ્લે જીલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર રાજ્યની જેમ ગાંધીનગર જીલ્લા પંચાયતમાં મળેલી વિક્રમજનક સફળતા ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં ફરી એકવાર દોહરાવીને જનતા જનાર્દન ભાજપ સરકારના સરમુખત્યાર શાસનમાંથી મુક્તિ મેળવશે.તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતા ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર ડો.સી.જે.ચાવડાએ જણાવ્યું છે કે,પાટીદારો અને દલિત સમાજ ઉપર દમન ગુજારવા સાથે કર્મચારીઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો અને ખાસ કરીને મહિલાઓને અન્યાય કરનાર ભાજપ સરકારને પ્રજા માફ નહિ કરે.
ગાંધીનગર ઉત્તર મત ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવાર ડો.સી.જે.ચાવડાએ ગાંધીનગર જીલ્લા પંચાયતમાં મળેલી વિક્રમજનક સફળતા કરતા પણ વધારે મતોથી ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં વિજય મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.તેમણે જણાવ્યું છે કે,ભાજપ સરકારના કિન્નાખોરીભર્યા શાસનમાં સમાજના દરેક વર્ગને સરમુખત્યારશાહીનો ભોગ બનવું પડ્યું છે.જેમાં પાટીદારો અને દલિત સમાજ ઉપરના અમાનુષી અત્યાચાર કરનાર ભાજપની આપખુદશાહી સામે કોઈને એક હરફ પણ ઉચ્ચારવા દેવાતો નથી.જ્યારે નલિયા કાંડ સમગ્ર દેશ માટે કલંકરૂપ હોવા છતાં શરમને નેવે મુકનાર ભાજપમાં અહંકાર આવી ગયો છે.આ જ અહંકારમાં તેમને કોઈ હરાવી શકે તેમ નથી અને શામ,દામ,દંડથી બધુજ ખરીદી શકાતું હોવાના ભાજપના ઘમંડને પ્રથમ તબક્કામાં ગુજરાતની પ્રજાએ ચકનાચુર કરી નાખ્યો હોવાનું ડો.સી.જે.ચાવડાએ જણાવ્યું છે.
ગાંધીનગર જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.સી.જે.ચાવડાએ જણવ્યું છે કે,ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીથી લઇ જીલ્લા પંચાયત અને છેલ્લે રાજ્યસભાની ચૂટણીમાં કોંગ્રેસના સભ્યોનું ખરીદ-વેચાણ કરી નૈતિકતા પણ નેવે મૂકી દીધી છે.ભાજપ સરકારે ભ્રષ્ટાચાર અને મેળા-ઉત્સવો પાછળ ભેગા કરેલા કરોડો રૂપિયાનો ઉપયોગ માત્ર કોંગ્રેસને તોડવા પાછળ જ કર્યો છે.તેના બદલે જો ગામડાઓમાં જરૂરી સુવિધાઓ આપવા સાથે ત્યાં શહેર જેવો વિકાસ કર્યો હોત તો આજે ભાજપને ગામડાઓમાં પ્રવેશવા માટે પડી રહેલી મુશ્કેલી પણ નાહોત.પરંતુ પ્રજાના પૈસે ભાજપ સરકારે તાગડધિન્ના કરી સરકારની તિજોરી ખાલી કરી દીધી છે.જેના પરિણામે રાજ્યની પ્રજાના માથે લાખ્ખો-કરોડો રૂપિયાનું દેવું કરી ભાજપ કહે છે કે, અમે વિકાસ કર્યો.પરંતુ ચૂંટણી પ્રચારની જાહેરસભાઓમાં વડાપ્રધાનથી લઇ મુખ્યમંત્રી અને સમગ્ર કેન્દ્રીય નેતાઓ વિકાસની એક વાત કરી શકતા નથી.પરંતુ રાહુલ ગાંધીથી લઇ કોંગ્રેસ ઉપર જ અશોભનીય ભાષામાં વાત કરનાર ભાજપના ઘમંડને નેસ્તનાબુદ કરવા પ્રજાએ નિશ્ચય કરી લીધો છે. આથી ગાંધીનગર ઉત્તર બેઠકના ઉમેદવાર ડો.સી.જે.ચાવડાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે,તમામ મતદારો ઝનુનપૂર્વક એકતરફી મતદાન કરી કોંગ્રેસને સત્તામાં લાવી ગાંધીનગરમાં નવસર્જન કરશે.
Source: http://www.meranews.com/news/view/people-will-not-forgive-the-bjp-govt-who-treated-harshly-wi