‘મોદીજી’ના ભાષણમાં પોતાની જ વાત હોય છે : રાહુલનો કટાક્ષ
Dec 10, 2017, 11:29 PM IST
નડિયાદ, ડાકોર: ‘ગુજરાતની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી મુદ્દામાં નર્મદાના પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ અનેક જગ્યાએ નર્મદાનું પાણી ન મળ્યું હોવાની બૂમ ઉઠી. રાઇટ ટર્ન લઇ ઓબીસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તેમાં પણ કોઇ કામ થયું નહતું. એટલે ફરી લેફ્ટ ટર્ન લઇ વિકાસ યાત્રા કાઢી. 22 વર્ષ પર બોલીશું તેવું નક્કી કર્યું હતું. પરંતુ મોદીજીનું ભાષણ મેં સાંભળ્યું તેમાં તેઓએ વિકાસની કોઇ વાત કરી નથી. પહેલા રાઇટ ટર્ન, લેફ્ટ ટર્ન અને હવે બ્રેક વાગી ગઈ છે.’ તેમ રાહુલ ગાંધીએ રવિવારના રોજ ડાકોર ખાતે જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું.
આ પ્રસંગે રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જ સીધું નિશાન તાક્યું હતું. જેમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મોદીજીના ભાષણમાં ફક્ત મોદીજીની જ વાત હોય છે. તેમની પાસે કહેવા માટે કોઇ વાત નથી. ભવિષ્યની વાત ગુજરાત માનશે નહીં. સત્યએ વડાપ્રધાન અને ભાજપને ઘેરી લીધા છે. તેઓ ક્યાંય જઇ શકે તેમ નથી. આ ચૂંટણી મોદી કે મારા માટે નથી. ભાજપ કે કોંગ્રેસ માટે નથી. આ ચૂંટણી ગુજરાતની જનતાના ભવિષ્ય માટેની ચૂંટણી છે. અમે હરાવીશું કારણ કે સત્ય અમારી બાજુ છે.
વધુમાં ઉદ્યોગપતિઓની વાત કરતાં જણાવ્યું હતું કે, એરફોર્સ માટે રફાલ ખરીદ્યાં. હિન્દુસ્તાન એરોનોટીકલનો કોન્ટ્રાક્ટર રદ્દ કરી તેમના એક મિત્ર ઉદ્યોગપતિને કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આ કંપનીને પ્લેન બનાવવાનો કોઇ જ અનુભવ નથી. જ્યારે હિન્દુસ્તાન એરોનોટીકલને 70 વર્ષનો અનુભવ છે. આ બાબતે અમે ત્રણ પ્રશ્નો પૂછ્યાં નવા કોન્ટ્રાક્ટરમાં ભાવ વધ્યો કે ઘટ્યો હિન્દુસ્તાન એરોનોટીકલને 70 વર્ષનો અનુભવ છે, મિત્રને કોન્ટ્રાક્ટર આપ્યો તો કેમ આપ્યો ડિફેન્સનો કોન્ટ્રાક્ટ કેબિનેટની મંજુરી લેવી જરૂરી છે. આ મુદ્દે લીધી છે કે કેમ તેવા વેધક સવાલ પૂછ્યાં હતાં.
કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમારની તળપદી ભાષા સાંભળવા રાહુલ પણ રોકાયાં
રાહુલ ગાંધીનું પ્રવચન પુરૂં થયા બાદ આભાર વિધિ માટે ઠાસરામાં કોંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈ પરમાર પ્રવચન આપતાં હતાં. જોકે, તેઓએ પોતાની તળપદી અને ગામઠી ભાષામાં ભાજપના શાસન વિશે બોલતાં હતાં. આ સમયે રાહુલ ગાંધી જવાના મુડમાં હતાં. પરંતુ ભાષણ સાંભળવા તેઓ પણ બે મિનિટ કાંતિભાઈને પાસે જ ઉભા રહી ભાષણ ચાલુ રાખવા જણાવ્યું હતું.
Source: https://www.divyabhaskar.co.in/news/MGUJ-NAD-OMC-LCL-rahul-gandhi-public-address-in-dakor-after-ranchhodray-darshan-gujarati-news-5765946-PHO.html