જ્યારે રાહુલ ગાંધીએ તારાપુરમાં આરોગી રોડસાઇડ પાંઉભાજી
સુરત તા. ૯ : ગુજરાતની ચૂંટણી પ્રચારમાં રહેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે તારાપુરમાં એક પાંઉભાજી સ્ટોલ પર પહોંચ્યાં હતાં. આણંદમાં ચૂંટણી રેલીને સંબોધિત કર્યા પછી રાહુલ તારાપુરમાં એક પદયાત્રામાં પણ હાજરી આપી હતી.
રાહુલને પાંઉભાજી સ્ટોલ પર જોઇને ત્યાં હાજર રહેલા યુવાઓમાં તેમને મળવાનો ઉત્સાહ સ્પષ્ટ જોવા મળતો હતો. આ દરમિયાન રાહુલે ત્યાં હાજર રહેલા તમામ લોકો સાથે વાતચીત કરી હતી. આ પછી રાહુલે સ્ટોલ પર જ પાંઉભાજી આરોગી હતી. આ દરમિયાન તેની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતાં. ભરતસિંહ સોલંકીએ ટ્વિટર પર રાહુલ ગાંધીનો આ વીડિયો શેર કર્યો હતો.
નોંધનીય છે કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવેલા રાહુલ ગાંધીએ શુક્રવારે આણંદમાં એક રેલીને પણ સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને બીજેપી પર નિશાન સાધ્યું હતું અને ગુજરાતના લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે હું તમને એવો વાયદો નહીં કરૂ કે ૧૫ લાખ આપીશ પરંતુ હું એ જરૂર કહી શકું છું કે જો અમારી સરકાર આવશે તો લોકોને એ જરૂર રાહત થશે કે તેમની વાત ૨૨ વર્ષ પછી સાંભળવામાં આવશે.
Source: http://www.akilanews.com/09122017/gujarat-news/1512794136-67027